ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સાવધાન રહો: સિંગાપોરના રાજદૂતે દૂતાવાસની નકલી નંબર પ્લેટવાળી કારનો ફોટો કર્યો શેર

  • સિંગાપોરના રાજદૂતે વિદેશ મંત્રાલય તેમજ પોલીસને કર્યા એલર્ટ
  • કારમાં નકલી રાજદ્વારી કોર્પ્સ નંબર પ્લેટ જોવા મળી

નવી દિલ્હી, 24 નવેમ્બર : ભારતમાં સિંગાપોરના રાજદૂત સિમોન વોંગે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જોવા મળેલી એક કારના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે જેમાં તેમના દેશની નકલી રાજદ્વારી કોર્પ્સ નંબર પ્લેટ જોવા મળી રહી છે. જેને લઈને સિંગાપોરના રાજદૂતે વિદેશ મંત્રાલય તેમજ પોલીસને આ બાબતે એલર્ટ પણ કરી દીધા છે.

ભારતમાં સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર સિલ્વર કલરની કારની ઘણી તસવીરો પોસ્ટ કરીને કહ્યું કે, “આ અમારી એમ્બેસીની કાર નથી.” તેમણે લોકોને “ખાસ કરીને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર” પાર્ક કરેલી આ કાર પર “વધારાની સાવચેતી” રાખવા વિનંતી કરી છે. ટ્વિટ કરીને હાઈ કમિશનર સિમોન વોંગે જણાવ્યું કે, “ચેતવણી !!!!, 63 CD પ્લેટવાળી નીચેની કાર નકલી છે. આ અમારી એમ્બેસીની કાર નથી. અમે MEA અને પોલીસને ચેતવણી આપી છે. આવાં જોખમો સામે સૌ સાવધાન રહો, તમે આ બિનવારસી કારને પાર્ક કરેલી જુઓ ત્યારે વધુ સાવચેત રહો તેમાં પણ ખાસ કરીને IGI ખાતે વધુ સાવચેતી રાખો.”

 

દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ માટે CD નંબર પ્લેટવાળા વાહનો

ભારતમાં રાજદ્વારી વાહનોમાં સફેદ અક્ષરવાળી વાદળી નંબર પ્લેટ હોય છે. પ્લેટો પર “CD” અક્ષરો અને ત્યારબાદ બે-અંકનો કોડ અને નોંધણી નંબર હોય છે. વિદેશી રાજદ્વારી મિશન અને સંસ્થાઓ, જેમ કે દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસએ એકમાત્ર એવા છે કે, જેઓ CD નંબર પ્લેટવાળા વાહનો ધરાવે છે. CDએ “કોર્પ્સ ડિપ્લોમેટીક” માટે વપરાય છે.

અગાઉ પણ આવી ઘટના બની હતી

અગાઉ, ઑક્ટોબરમાં સિંગાપોરના રાજદૂતે ચિહ્નની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં ‘સિંગાપુર હાઈ કમિશન’ લખેલું હતું. જેને લઈને સિંગાપોરના રાજદૂતે લખ્યું હતું કે “પહેલા જોડણી તપાસવી હંમેશા સારી છે.” આ પછી, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) એ રવિવારે જોડણીની ભૂલ સુધારી હતી. ત્યારબાદ સિમોન વોંગે આ સુધારેલા સાઈનબોર્ડની તસવીર પોસ્ટ કરી અને ટ્વિટર પર એજન્સીનો આભાર માન્યો હતો.

આ પણ જાણો :અફઘાનિસ્તાને દિલ્હીમાં તેના દૂતાવાસને કાયમી ધોરણે બંધ કરવાની કરી જાહેરાત, જાણો શું છે કારણ ?

Back to top button