પંજાબમાં હોસ્પિટલ સ્ટાફે દર્દીઓને કબ્રસ્તાનની બહાર ફેંકી દીધા , એકનું મૃત્યુ
- બે દર્દીઓથી છુટકારો મેળવવા સરકારી હોસ્પિટલે બહાર ફેંકી દીધા
- સરકારી એમ્બ્યુલન્સમાં દર્દીઓને કબ્રસ્તાનની બહાર ફેંકી દીધા
- એકનું મૃત્યુ જ્યારે બીજા દર્દીની હાલત ગંભીર
પંજાબ: માનવતાને શરમાવે એવો એક કિસ્સો પંજાબના મનસાથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બે દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવા માટે સરકારી હોસ્પિટલે તેમને બહાર ફેંકી દીધા. ડ્રાઈવર તેમને સરકારી એમ્બ્યુલન્સમાં લઈ ગયો અને એકને કબ્રસ્તાનમાં છોડી ગયો જ્યારે બીજાને રસ્તાની બાજુમાં નિર્જન જગ્યાએ છોડી દીધો. આ બે દર્દીઓમાંથી એકનું મૃત્યું થયું છે જ્યારે અન્ય ઘાયલ હોવાનું કહેવાય છે અને બાદમાં તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટનાને હોસ્પિટલના સ્ટાફે અંજામ આપ્યો હતો. આ બંને ત્યજી દેવાયેલા દર્દીઓની ત્યાં લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. બંને એચઆઈવી, કમળો અને અન્ય ગંભીર બીમારીઓથી પીડિત હોવાનું કહેવાય છે. તેમાંથી એકની માનસિક સ્થિતિ પણ નાદુરસ્ત હતી અને તે ડ્રગ એડિક્ટ હોવાનું જાણવા મળ્યું છે. જે વોર્ડમાં આ બંને દર્દીઓ દાખલ હતા તે વોર્ડમાંથી બીજા દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવા પડ્યા હતા કારણ કે આ દર્દીઓથી અન્ય દર્દીઓને ખતરો હતો.
આ બે દર્દીઓને છુટકારો મેળવવા માટે કેટલાક તબીબી કર્મચારીઓએ કથિત રીતે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને કેટલાક પૈસા ચૂકવ્યા હતા અને બંને દર્દીઓને એકાંત સ્થળે છોડીને આવવાનું કહ્યું હતું. ત્યારબાદ એમ્બ્યુલન્સ ડ્રાઇવરે બંને દર્દીઓને ગાડીમાં બેસાડી દીધા અને એકને નિર્જન સ્મશાનગૃહમાં છોડી દીધો જ્યારે બીજાને રસ્તા પર છોડી દીધો. રસ્તાના કિનારે પડેલા દર્દીનું મૃત્યું નિપજ્યું હતું જ્યારે બીજાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બીજા દર્દીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ સીએમઓ બલજીત કૌરે કહ્યું છે કે, આ આખો મામલો ખૂબ જ દુઃખદ છે. આ ઘટનામાં જે લોકો તેમાં સામેલ હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે આ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરી છે. હાલ તપાસ સમિતિ હોસ્પિટલના સમગ્ર સ્ટાફની પૂછપરછ કરી રહી છે. ઇજાગ્રસ્ત દર્દી રિંકુએ જણાવ્યું કે, રોડ અકસ્માતમાં તેનો હાથ અને પગ ભાંગી ગયા હતા અને ત્યારથી તેને હોસ્પિટલમાં જોવા માટે કોઈ આવતું નથી.
આ પણ વાંચો, અમદાવાદ શહેરમાં 38 પ્રીમિયમ હોટેલો પર GST ટીમના દરોડા