ગાંધીનગરઃ ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ખેડૂતો દ્વારા ઘઉં પાકના બિયારણ અંગે કરાયેલી રજૂઆતનો પ્રતિભાવ આપતા ગુજરાત રાજ્ય બીજ નિગમના મેનેજીંગ ડીરેક્ટર પ્રકાશ રબારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હસ્તકનું ગુજરાત રાજ્ય બીજ નિગમ રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાયુક્ત બિયારણ પૂરું પાડતી પ્રતિષ્ઠિત સંસ્થા છે. ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા રાજ્યના ખેડૂતો પાસે જ બિયારણ ઉત્પાદન કરાવી અને રાજ્યના ખેડૂતોને બિયારણ પૂરું પાડવામાં આવે છે.
ગુણવત્તા અંગે એકંદરે સંતોષકારક પ્રતિભાવ મળ્યા
તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે રાજ્યમાં ઘઉં પાકના ૧૫૦૦થી વધુ ખેડૂત ઉત્પાદકો દ્વારા ૮૪,૦૦૦ ક્વિન્ટલ કરતાં વધુ ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદિત કરવામાં આવ્યા હતા. આ બિયારણ બીજ પ્રમાણન એજન્સી દ્વારા સર્ટિફાઇડ થયા બાદ ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા રાજ્યના ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં વિતરિત બિયારણની ગુણવત્તા અંગે એકંદરે સંતોષકારક પ્રતિભાવ મળ્યા છે.
ખેડૂતોની રજૂઆત સંદર્ભે વધુ તપાસ ચાલી રહી છે
તેમણે વધુમાં ઉમેર્યું કે, ઘઉં પાકની ટુકડી જાતોની સમયસરની વાવણી ૧૫ થી ૨૫ નવેમ્બર દરમિયાન કરવાની ભલામણ છે. વહેલી વાવણીના કિસ્સામાં દિવસ અને રાત્રીના તાપમાનમાં મોટો તફાવત હોવાથી બીજ ઉગાવા પર તેની ભારે અસર પડે છે. કોડીનાર તાલુકાના ખેડૂતોને જે પ્લોટ નંબરનું બિયારણ વિતરિત કરવામાં આવ્યું હતું તે જ પ્લોટ નંબરના બિયારણનું અન્ય વિસ્તારમાં તપાસ હાથ ધરતા તેમાં સંતોષકારક અને ધારાધોરણ મુજબનો ઉગાવો જોવા મળ્યો છે. કોડીનારના ખેડૂતોની રજૂઆત સંદર્ભે વધુ તપાસ ચાલી રહી છે. આ અંગે વધુ અહેવાલ મળતા આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચોઃમાવઠાની આગાહીને પગલે ડિસા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓને એલર્ટ કરાયા