ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘પનૌતી’ વિવાદ વચ્ચે હિમંતા સરમાનો પલટવાર, કહ્યું- ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ પર ભારત વર્લ્ડ કપમાં હાર્યું

Text To Speech

હૈદરાબાદ,23 નવેમ્બર: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીના પનૌતી નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ પર રમાઈ હતી. આ સાથે તેમણે BCCIને પણ અનુરોધ કર્યો કે, મેચ ગોઠવતા પહેલા ઓર્ગનાઈઝેશને સુનિશ્ચિત કરવું જોઈએ કે જે દિવસે નેહરુ-ગાંધી પરિવારના કોઈપણ સભ્યનો જન્મદિવસ હોય તે દિવસે ભારતની ફાઈનલ મેચ ન યોજાય. તેલંગાણાના ભાગ્યનગરમાં એક ચૂંટણી રેલીને સંબોધતી વખતે તેમણે આ વાત કરી હતી.

હિમંતા બિસ્વા સરમાએ શું કહ્યું?

એક ચૂંટણી રેલીને સંબોધતા આસામના સીએમએ કહ્યું કે, અમે તમામ મેચ જીત્યા અને ફાઇનલમાં હારી ગયા. જો કે પાછળથી ખબર પડી કે મેચ હારવાનું કારણ શું હતું? મને જાણવા મળ્યું કે વર્લ્ડ કપની ફાઈનલ ઈન્દિરા ગાંધીના જન્મદિવસ પર હતી. ગાંધી પરિવાર પર પ્રહાર કરતા તેમણે વધુમાં કહ્યું, ગાંધી પરિવારના કોઈપણ સભ્યનો જન્મદિવસ હોય તે દિવસે ભારતની મેચ ન યોજાવવી જોઈએ. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારાઓ સાથે વિપક્ષી દળોની મિલીભગત છે. સરમાએ જો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની “PM એટલે પનૌતી મોદી”ની ટિપ્પણીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

ગુજરાતના અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં હાર બાદ સોશિયલ મીડિયા પર એક શબ્દ ટ્રેન્ડ થયો હતો તે હતો પનૌતી. રાહુલ ગાંધીએ પણ આ શબ્દને લઈને ભાષણ આપ્યું હતું. આ શબ્દ પનૌતી પીએમ મોદી તરફ ઈશારો કરી રહ્યો હતો. હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. બીજી તરફ, ભાજપે રાહુલ ગાંધીની ટિપ્પણીને શરમજનક અને અપમાનજનક ગણાવી અને માફીની માંગણી કરી.

આ પણ વાંચો: અમેરિકાના કેંટકી શહેરમાં ખતરનાક કેમિકલ લીકેજ, કટોકટી લાદવામાં આવી

Back to top button