અમદાવાદકૃષિખેતીગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના પીરાણાથી રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૪ નવેમ્બરના રોજ અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ નો પ્રારંભ કરાવશે. અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જિલ્લાના તમામ ૯ તાલુકાઓ સહિત રાજ્યભરના ૨૪૮ તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ ઉજવાશે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે.

૫૦૦ જેટલા ખેડૂતો સહભાગી થશે
રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન પૂરું પાડવા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવાના ઉદ્દેશ સાથે રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ યોજાનાર છે. રાજ્યક્ષાના કાર્યક્રમમાં અંદાજે ૨૦૦૦ જેટલા ખેડૂતો અને તાલુકાક ક્ષાના કાર્યક્રમોમાં ૫૦૦ જેટલા ખેડૂતો સહભાગી થશે. કૃષિ મહોત્સવના કાર્યક્રમ સ્થળે કૃષિ પ્રદર્શન અને સેવા સેતુ કાર્યક્રમ માટે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના સ્ટોલ, બાગાયતી ખેત પેદાશોનું પ્રદર્શન સ્ટોલ, મિલેટ્સ/અન્નની ખેડૂતો દ્વારા તૈયાર કરેલ વિવિધ વાનગીઓના વેચાણ તથા તેના લાભ અંગેના માર્ગદર્શન માટેના સ્ટોલ સહિત કુલ ૩૦ જેટલા વિવિધ સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવનાર છે.

ખેડૂતોને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે
આ ઉપરાંત, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી, ખેતી ખર્ચના ઘટાડા માટે ઇનપુટ્સના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે વક્તવ્ય, “ઇન્ટરનેશનલ મીલેટ યર” ને ધ્યાને લઈ “શ્રી અન્ન” (મીલેટ), બાગાયત પાકોમાં નવીનત્તમ ટેકનોલોજી, ખેતી પાકોમાંથી ઇથેનોલના ઉત્પાદન તથા સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ જેવા વિષયો સેમીનારમાં આવરી લઈને કાર્યક્રમમાં ખેડૂતોને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. સાથે જ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત તથા FPOની કામગીરી કરતા હોય તેવા ખેડૂતના વક્તવ્યો પણ યોજાશે.

તાલુકા અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી
‘રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩’ ના સફળ આયોજન માટે જિલ્લા અમલીકરણ સમિતિ અને તાલુકા/ક્લસ્ટર અમલીકરણ સમિતિઓની રચના કરીને તેમને કાર્યક્રમના સફળ આયોજન માટે યોજનાપૂર્વક વિવિધ જવાબદારીઓની સોંપણી કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિ અને સંબંધિત તાલુકાના પ્રાંત અધિકારીઓના અધ્યક્ષ સ્થાને તાલુકા અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વાપીમાં રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા આધેડ પટકાયા અને ટ્રેન આવી, GRP જવાને જીવ બચાવ્યો

Back to top button