ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી, ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ
ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 24, 25 અને 26 નવેમ્બરે સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે.
24 તારીખે ક્યાં માવઠાની આગાહી?
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યુ છે કે રાજ્યમાં હજી બે દિવસ વરસાદની શક્યતા નથી. બે દિવસ ગુજરાતનું વાતાવરણ ડ્રાય રહેશે. ત્યારબાદ એટલે 24 તારીખે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.
25 તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ?
આ સાથે તેમણે 25મી તારીખે પણ અનેક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
26 તારીખે ક્યાં માવઠાની શક્યતા?
તો, 26મી તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, અને દીવ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ થવાની શક્યતા છે.
24, 25 અને 26 નવેમ્બરે માવઠાની આગાહીને લઈ ખેડૂતોનો મહામૂલો પાક અને બિયારણ પલળી ના જાય એ માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે. જિલ્લાના તમામ માર્કેટયાર્ડ અને તેમના મારફતે ખેડૂતોને પણ કમોસમી માવઠાને લઈ અગાઉથી જ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા કમોસમી માવઠાને લઈ ખેડૂતોનો પાક પલળે નહીં એ માટે ખૂલ્લામાં પડેલ પાકને સલામત સ્થળે ખસેડવા કે ઢાંકવા માટેના પગલા ભરવા માટે અપીલ કરવામાં આવી છે. માર્કેટ યાર્ડોમાં ખાસ કરીને ખેડૂતોનો પાક સલામત રહે એ માટે પગલા ભરવાની કાર્યવાહી કરવા માટે સૂચના અપાઈ છે. માર્કેટયાર્ડો અને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે.