અમદાવાદગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝની ૧૨મી કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડમીઝની ૧૨મી કોન્ફરન્સ સભ્ય દેશો માટે પોતાની બેસ્ટ પોલિસીંગ પ્રેક્ટિસને ઉજાગર કરવાનો મંચ બની છે. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમી ૬૩ દેશની ૮૦ પોલીસ એકેડમીઓને સાથે જોડીને પોલિસીંગને વૈશ્વિક સ્તરે નવી દિશા, નવું બળ આપી રહી છે. પોલીસ બળની જવાબદારી માત્ર સમાજમાં કાનૂન વ્યવસ્થા કે શાંતિ સલામતી જાળવવાની જ નથી. તે ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રેસ્ક્યુ અને સેફટી ઓપરેશન્સ તેમજ કુદરતી કે માનવસર્જિત અનેક આપદાઓમાં પણ પોલીસ દળ સતત કાર્યરત રહે છે.

વર્તમાન સમયમાં ક્રાઈમ અને તેનો પ્રકાર બદલાતો જાય છે
વર્તમાન સમયમાં ક્રાઈમ અને તેનો પ્રકાર બદલાતો જાય છે. સાયબર ક્રાઇમ, ડિજિટલ ફ્રોડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ અને ડ્રગ્સ જેવા દૂષણોએ નવા પડકારો ઊભા કર્યા છે. ઝીરો ટોલરેન્સની નિતીથી આ પડકારોને પહોંચી વળવા માટે આ કોન્ફરન્સ વિચારોના આદાન-પ્રદાનનોનું માધ્યમ બની રહેશે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ, પદ્મશ્રી ડો. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે આ ૧૨મી ઇન્ટરપા કોન્ફરન્સમાં વિશ્વના ૩૧ દેશોના ૧૧૦થી વધુ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત છે. બીજી વખત આ ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન કરવાનું ગૌરવ NFSUને પ્રાપ્ત થયું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ભારતની એકમાત્ર સરકારી યુનિવર્સિટી છે, કે જેણે પોતાનું કેમ્પસ વિદેશમાં, યુગાન્ડા ખાતે પ્રારંભ કર્યું છે અને ફોરેન્‍સીક સાયન્સિસમાં વિશ્વખ્યાતી મેળવી છે.

વિદેશના જટિલ કેસોનો ઉકેલ લાવવામાં પણ મદદરૂપ
આ યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે જ કાર્ય કરતી નથી, પરંતુ ટ્રેનિંગ અને કન્સલ્ટન્સી પણ પૂરી પાડે છે. અત્યાર સુધીમાં ૮૨થી વધુ દેશોના ઇન-સર્વિસ પર્સન્સ, પોલીસ ઓફિસર્સને ફોરેન્સિક સાયન્સ સંબંધિત ક્ષેત્રે ટ્રેનિંગ પૂરી પાડવામાં આવી છે. ગુનેગારો અત્યારે અત્યાધુનિક ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને ગુનાખોરી કરી રહ્યાં છે, તેવા સમયમાં પોલિસિંગ ક્ષેત્રે તપાસની પ્રક્રિયા આપણે વધુ કાર્યદક્ષ, મજબૂત બનાવવાની છે. NFSU ટેક્નોલોજી બેઝ્ડ ઇન્વેસ્ટિગેશનમાં કાર્યરત છે અને માત્ર ભારત જ નહીં, વિદેશના જટિલ કેસોનો ઉકેલ લાવવામાં પણ મદદરૂપ થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ દિવાળી વેકેશનમાં 42.75 લાખ પ્રવાસીઓએ ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી

Back to top button