દેવ દિવાળી ક્યારે? જાણો દીપદાનનું મહત્ત્વ અને શુભ મુહૂર્ત
- હિંદુ ધર્મમાં દેવ દિવાળીનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે દીપદાન કરવું પુણ્યનું કામ માનવામાં આવે છે
હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે કાર્તિક માસની પૂર્ણિમાને દેવ દિવાળીના રૂપમાં ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં દેવ દિવાળીનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વ દિવાળીના બરાબર 15 દિવસ બાદ ઉજવાય છે. એવી માન્યતા છે કે આ દિવસે દેવી-દેવતાઓ કાશીની પવિત્ર નગરીમાં આવે છે અને દિવાળીનો તહેવાર ઉજવે છે. આ કારણે વારાણસીમાં દરેક ઘાટને દીવડાઓથી સજાવાય છે. આ સાથે દેવ દિવાળી પર દીપદાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે.
ક્યારે છે દેવ દિવાળી?
પંચાંગ અનુસાર આ વર્ષે કારતક પુર્ણિમા 26 નવેમ્બરે બપોરે 3.53 વાગ્યાથી શરૂ થાય છે અને તે 27 નવેમ્બર બપોરે 2.46 વાગ્યા સુધી છે, તેથી આ વર્ષે દેવ દિવાળી 26 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે.
દેવ દિવાળીના શુભ મુહૂર્ત
દેવ દિવાળીના દિવસે પ્રદોષ કાળમાં દીપદાન કરવાનું શુભ માનવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર 26 નવેમ્બરના રોજ પ્રદોષ કાળ સાંજે 5.08 વાગ્યાથી 7.47 વાગ્યા સુધી રહેશે.
શું છે દેવ દિવાળી પાછળની માન્યતા
દેવ દિવાળીનું પર્વ દેશભર ઉપરાંત કાશીમાં ધૂમધામથી ઉજવાય છે. પૌરાણિક કથા અનુસાર ત્રિપુરાસુર નામના રાક્ષસે ખૂબ જ આતંક મચાવ્યો હતો. આ કારણે દેવી-દેવતા અને સાથે સાથે ઋષિ મુનીઓ ખૂબ પરેશાન રહેતા હતા. તેના અત્યાચારોથી પરેશાન થઈને તમામ લોકો ભોલેનાથના શરણમાં પહોંચ્યા અને વિનંતી કરી. ત્યારબાદ ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો. ભગવાન શિવની જીતની ખુશીમાં દેવી દેવતાઓએ વારાણસીમાં ખૂબ જ દીવડા પ્રગટાવ્યા અને રોશનીથી આખું વારાણસી ઝગમગાવી દીધું હતું. ત્યારથી દર વર્ષે આ દિવસે દેવ દિવાળી ઉજવાય છે. દેવ દિવાળીને ત્રિપુરોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
શું છે દીપદાનનું મહત્ત્વ?
દીપદાન માટે કાર્તિક મહિનો વિશેષ મહત્વનો છે. શાસ્ત્રો મુજબ આ મહિનામાં ભગવાન વિષ્ણુ ચાર મહિનાની પોતાની યોગનિદ્રાથી જાગે છે. તેથી દીપદાનનું મહત્ત્વ છે. દેવોત્થાન અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ પોતાની નિદ્રાથી જાગે છે અને પોતાનો કાર્યભાર સંભાળે છે. એવી માન્યતા છે કે, દેવ દિવાળીએ દીપ દાન કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપા મળે છે. ઘરમાં ધન, યસ અને કીર્તિ આવે છે. તેથી આ દિવસે લોકો વિષ્ણુજીનું ધ્યાન કરીને મંદિર, પીપળે, ચોક કે નદીના કિનારે દીવા પ્રગટાવે છે. દીપક ખાસ કરીને મંદિરોમાં પ્રગટાવવામાં આવે છે. આ દિવસે મંદિરોને રોશનીથી ઝગમગાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ બુધનું ધન રાશિમાં ગોચરઃ 27 નવેમ્બરથી પલટાશે ત્રણ રાશિનું ભાગ્ય