દિલ્હીમાં માર્ગ અકસ્માતમાં પુરુષ અને 2 બાળકોના મૃત્યુ, પત્ની ઘાયલ
- દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં એક સ્કૂટીને કારે ટક્કર મારી હતી
- સ્કૂટર પર સવાર એક વ્યક્તિ અને તેમના બે બાળકોનું મૃત્યું થયું હતું જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના પશ્ચિમી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. અહેવાલો અનુસાર પશ્ચિમ દિલ્હીમાં વહેલી સવારે એક કારે સ્કૂટરને ટક્કર મારી હતી. જેમાં 32 વર્ષીય વ્યક્તિ અને તેમના બે પુત્રોનું મૃત્યુ થયું હતું. આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, રાજૌરી ગાર્ડન વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં વ્યક્તિની પત્ની ઘાયલ થઈ છે. પશ્ચિમ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિચિત્રા વીરે જણાવ્યું હતું કે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જાણવા મળ્યું કે અકસ્માતમાં પાછળથી એક કાર સ્કૂટરને ટક્કર મારી હતી.
8 મહિનાના બાળકનું હોસ્પિટલમાં મૃત્યુ
વિચિત્રા વીરે જણાવ્યું હતું કે, ઉત્તમ નગરમાં દાલ મિલ રોડ પર રહેતા દિનેશ વસન રમેશ નગરમાં પોતાના માતા-પિતાને મળ્યા બાદ પત્ની અને બાળકો સાથે પરત ફરી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવેલી એક કારે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. જેના કારણે સ્કૂટર પર સવાર દિનેશ વસન અને તેમના પરિવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું કે, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં દિનેશ વસન અને તેના 8 વર્ષના પુત્ર દક્ષને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા તેમના 8 મહિનાના પુત્રને પાછળથી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અધિકારીએ જણાવ્યું કે, દિનેશ વસનની પત્ની પ્રીતિની સારવાર ચાલી રહી છે. દિનેશ પશ્ચિમ દિલ્હીના કીર્તિ નગરમાં ફર્નિચરનો વ્યવસાય ચલાવતા હતા અને તેમના પરિવાર સાથે ઉત્તમ નગરના દાલ મિલ રોડ પર રહેતા હતા.
સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે રમેશ નગરમાં માતા-પિતાને મળ્યા બાદ દિનેશ તેની પત્ની અને બાળકો સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો, ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી, જાણો કયા વરસાદ આવશે