અમદાવાદ, 21 નવેમ્બરઃ શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં કરવો એ હવે લોકોએ વિચારવું પડ્યું છે. ઓનલાઈન ફ્રોડ અને જમીન, મકાન કે દુકાનના દસ્તાવેજોમાં થતી ઠગાઈના અનેક કેસ બહાર આવી રહ્યા છે. ત્યારે ટ્રાન્સપોર્ટેશન માટે શરૂ થયેલી ખાનગી રેપીડો કંપનીના એક કર્મચારીએ અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મોબાઈલના વેપારીને પાર્સલ 35 હજારમાં પડ્યું
પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના કુબેરનગરમાં રહેતા પ્રિયાંકે અંબવાની સિંધી માર્કેટમાં મોબાઈલની દુકાનમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 11મી નવેમ્બરના રોજ તેમને ગ્રાહકને એક મોબાઈલ આપવાનો હતો. આ મોબાઈલ તેમની બીજી બ્રાંચ જે ગોતા ખાતે આવેલી છે ત્યાંથી લાવીને આપવાનો હતો. જેથી પ્રિયાંકે રેપીડો બાઈક બુક કરી હતી. જેમાં સાગર સોલંકી નામનો વ્યક્તિ આ ટ્રીપ લઈને આવી રહ્યો હતો.
સોલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ
પ્રિયાંકે તેને ગોતા ખાતેની બ્રાંચથી મોબાઈલ લઈને આવવા જણાવ્યું હતું. ત્યારે આ બાઈક ચાલક ગોતા ખાતેની બ્રાંચ પર ગયો હતો. બંને બ્રાંચના મેનેજરોએ ફોન પર મોબાઈલની આપલે બાબતે વાતચીત કરી હતી. ત્યાર બાદ આ સાગર સોલંકી મોબાઈલ લઈને નીકળ્યો હતો. ત્યાર બાદ સમય થવા છતાં તે પોતાના લોકેશન પર નહીં પહોંચતાં પ્રિયાંકે તેને ફોન કર્યો હતો. તેનો ફોન બંધ આવતો હતો. સાગર સોલંકી મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ પ્રિયાંકે સોલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ક્રાઈમ રેટ વધવા છતાં પોલીસની ઢીલી નીતિ જવાબદાર