ગુજરાતમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં નેશનલ ગેમ્સનું આયોજન : ભારતીય ઓલિમ્પિક સંઘનો નિર્ણય
છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર સ્થગિત રહેલી નેશનલ ગેમ્સ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતમાં આયોજીત થશે. ભારતીય ઓલિમ્પિક સંઘે જાહેરાત કરી છે કે, અમદાવાદ સહિત શહેરોમાં વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકારે નેશનલ ગેમ્સના આયોજન માટે રસ દાખવ્યો હતો. જેના કારણે ભારતીય ઓલિમ્પિક સંઘે નેશનલ ગેમ્સની યજમાની ગુજરાતને સોંપવાનો નિર્ણય લીધો હતો. તેમ આઇઓએના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ કહ્યું હતું. તેમણે ઊમેર્યું હતુ કે, અમદાવાદ સહિત ગુજરાતના પાંચ-છ શહેરોમાં નેશનલ ગેમ્સ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન થશે. નેશનલ ગેમ્સની તારીખોનું ટૂંક સમયમાં જ એલાન કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી નેશનલ ગેમ્સ સ્થગિત કરવામાં આવી હોવાથી આઇઓએ દ્વારા આ વખતે ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લે 2015માં કેરળમાં અને 2016માં ગોવામાં નેશનલ ગેમ્સ યોજાઈ હતી. વર્ષ 2018 અને 2019માં અન્ય રાજ્યોમાં માળખાગત સુવિધાના અભાવે ગેમસ યોજાઈ નહતી. 2020માં કોરોનાના કારણે ગેમ્સનું આયોજન થયું નહતુ.