વિશ્વના સૌથી મોટા ફિલ્મ અને સાંસ્કૃતિક ઉત્સવોમાંના એક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ની 54મી આવૃત્તિ આજથી ગોવામાં શરૂ થઈ છે. આજથી 28 નવેમ્બર સુધી ચાલનારા ફેસ્ટિવલમાં વિવિધ વિભાગોમાં 250 થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ સમારોહનું ઉદ્ઘાટન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. અભિનેતા શાહિદ કપૂર અને માધુરી દીક્ષિત ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કર્યું હતું. તેમના સિવાય શ્રિયા સરન, નુસરત ભરૂચા, પંકજ ત્રિપાઠી, શાંતનુ મોઇત્રા, શ્રેયા ઘોષાલ અને સુખવિંદર સિંહ પણ પરફોર્મ કરવા માટે પહોંચ્યા હતા.
ખ્યાતનામ હસ્તીઓ સામેલ થશે
પ્રખ્યાત હોલીવુડ અભિનેતા અને નિર્માતા માઈકલ ડગ્લાસ અને તેની પત્ની પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી કેથરીન ઝેટા જોન્સ, સલમાન ખાન, વિદ્યા બાલન, આયુષ્માન ખુરાના, અનુપમ ખેર, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, અદિતિ રાવ હૈદરી, એઆર રહેમાન વગેરે સહિત ઘણી હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમારોહનું સંચાલન કલાકારો અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્ના કરશે. ફેસ્ટિવલની શરૂઆતની ફિલ્મ સ્ટુઅર્ટ ગેટ દ્વારા નિર્દેશિત બ્રિટિશ ફિલ્મ કેચિંગ ડસ્ટ હશે. આ વર્ષે માઈકલ ડગ્લાસને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ફિલ્મના સ્ક્રિનિંગ ઉપરાંત ઘણા માસ્ટર ક્લાસ પણ હશે જેમાં સની દેઓલ, રાની મુખર્જી, વિજય સેતુપતિ સહિત અનેક હસ્તીઓ વાતચીત કરશે.
આ વખતે ઓટીટી એવોર્ડ પણ શરૂ થયો
આ વખતે IFFIમાં OTT એવોર્ડની પણ શરૂઆત કરવામાં આવી છે. આયુષ્માન ખુરાના અને પ્રખ્યાત સંગીતકાર અમિત ત્રિવેદી સમાપન સમારોહમાં પરફોર્મ કરશે. IFFI ઉપરાંત, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) દ્વારા આયોજિત ‘ફિલ્મ બજાર’ ની 17મી આવૃત્તિ 20 થી 24 નવેમ્બર દરમિયાન મેરિયોટ રિસોર્ટમાં આયોજિત કરવામાં આવશે.