ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
રાજકોટના એક કર્મનિષ્ઠ ASIને કરાયા સસ્પેન્ડ, જાણો શું છે કારણ
રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હિતેન્દ્રસિંહ ઝાલાએ ચાર દિવસ પૂર્વે ફેસબુકમાં કરેલી એક પોસ્ટના કારણે રાજકોટ શહેર પોલીસમાં ભારે ચર્ચા થવા પામી છે. આખરે ગઇકાલે તેમને સસ્પેન્ડ કરવામાં આવતા અન્ય પોલીસ સ્ટાફ તેમજ પોલીસ બેડામાં કામ કરવા માટે મોરલ ડાઉન થતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
એક નેતા બદલી કરાવી આપવાની ધમકી આપતા હોવાની સો. મીડિયામાં પોસ્ટ મુકી હતી
બનાવની જાણવા મળતી વિગત મુજબ ASI હિતેન્દ્રસિંહ ઝાલાએ ગત ગુરૂવારે રાત્રે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, ‘આજે એક નેતાને તેની અસલિયત કહી તો મને બદલીની ધમકી આપી કહે છે કે, એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી પણ નહિ મળે. મને છેલ્લા 4 વર્ષથી હેરાન કરે છે. વગર વાંકે મારી બદલીઓ કરાવે છે. જ્યારે તેનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે. છતાં મને ધમકીઓ આપે છે પણ મારી તૈયારી છે. મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને જુગારની રેઈડ દરમિયાન ઝડપી પાડ્યા હતા. મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે કેમ કે, હું લડીશ, હું જુકીશ નહિ અન્યાય સામે. મેં જુકેગા નહીં સાલા.
ઉચ્ચ અધિકારીઓએ નિવેદન લીધા વગર જ સસ્પેન્ડ કર્યાનો આરોપ
ગુરુવારે પોસ્ટ મુખ્ય બાદ શુક્રવારે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામી હતી અને શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ઉચ્ચ અધિકારીઓને આ વાત ધ્યાને આવતા ASIએ આ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. જો કે તેના બે દિવસ બાદ DCP અને પોલીસ કમિશનર દ્વાર પોસ્ટ મુકવા મામલે ASI હિતેન્દ્રસિંહ ઝાલાનું નિવેદન લેવામાં આવ્યું હોવાની ચર્ચા શહેરમાં ચાલતી હતી. આ મામલે હિતેન્દ્રસિંહ ઝાલાએ જણાવાયું હતું કે, હજુ સુધી પોલીસ કમિશનર કે DCP કોઈના દ્વારા મારુ નિવેદન લેવામાં આવ્યું નથી અને મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
કરણીસેના ગૃહમંત્રી અને પોલીસવડાને કરશે રજુઆત, ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી
ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાણ થતા રાજપૂત કરણી સેનાએ એ વિરોધ નોંધાવી ASI હિતેન્દ્રસિંહ ઝલને સમર્થન જાહેર કર્યું છે. રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, આ અન્યાય સામે તેમના દ્વારા ગૃહમંત્રી અને પોલીસ વડાને રજુઆત કરવામાં આવશે. મંત્રીના દબાણથી જો સસ્પેન્ડ કરવામાં આવે તો આમા પોલીસનું જ મોરલ ડાઉન થઇ રહ્યું છે. આગામી દિવસોમાં યોગ્ય ન્યાય નહિ મળે તો આ મામલે વિરોધ કરી લડત આપવા માટે અમે વિચારણા કરી રહ્યા છીએ આમ તેઓએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.