રાજસ્થાન: કેમ ED રેડ ઉપર રેડ મારી રહી છે ? શું છે મામલો ?
- રાજસ્થાનના જલ જીવન મિશનમાં ગેરરીતિઓ વિશે વાત કરનાર ભાજપના સાંસદ કિરોરી લાલ મીનાએ આરોપ લગાવ્યો કે આ પ્રોજેક્ટને લાગુ કરવામાં 20 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.
રાજસ્થાન: રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. એ પહેલા 20 હજાર કરોડ રૂપિયાના પાણી કૌભાંડના મુદ્દે જોર પકડ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ IAS અધિકારીઓથી માંડીને વરિષ્ઠ અધિકારીઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. 3 નવેમ્બરના રોજ, EDએ જયપુર અને દૌસામાં IAS રેન્કના અધિક મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલના નિવાસસ્થાન સહિત 23 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
આ મામલો કેન્દ્રના જલ જીવન મિશન પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. રાજસ્થાનમાં કેન્દ્રના પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન અનિયમિતતાઓ થઈ હોવાના આક્ષેપો થયા હતા અને હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ઓગસ્ટમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આ મામલે તપાસ શરૂ કરી હતી અને બાદમાં મામલો ED પાસે ગયો હતો. EDએ અત્યાર સુધીમાં 25 જગ્યાએ દરોડા પાડ્યા છે.
શું છે રૂ.20 હજાર કરોડનું પાણી કૌભાંડ?
જલ જીવન મિશન કેન્દ્ર સરકારનો એક પ્રોજેક્ટ છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રહેતી વસ્તીને શુદ્ધ અને પૂરતું પાણી પૂરું પાડવાનો છે. જેથી કોઈને પાણીની તંગીનો સામનો ન કરવો પડે. પ્રોજેક્ટના કુલ બજેટનો અડધો ભાગ કેન્દ્ર સરકાર અને અડધો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. રાજસ્થાનના પાંચ વખતના ધારાસભ્ય અને બે વખતના લોકસભાના સાંસદ કિરોરી લાલ મીણાએ આ મિશનમાં ગેરરીતિઓ થયાનો આરોપ લગાવ્યો હતો, તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘પ્રોજેક્ટને લાગુ કરવામાં 20 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે’.
ભાજપ સાંસદ કિરોરી લાલે કર્યો કૌંભાંડનો આરોપ
કિરોરી લાલ મીણાનો આરોપ છે કે પ્રોજેક્ટ હેઠળ બનાવટી પ્રમાણપત્રોના આધારે બે પેઢીઓને 48 પ્રોજેક્ટ આપવામાં આવ્યા હતા. બે વર્ષમાં રૂ. 900 કરોડના ઓર્ડર આપવામાં આવ્યા હતા. કૌભાંડને પકડવામાં ન આવે તે માટે, ઈમેલ આઈડી અને પ્રમાણપત્રો પણ બનાવટી બનાવવામાં આવ્યા હતા. કિરોરી લાલ મીણાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કૌભાંડને કારણે પ્રોજેક્ટ પૂરો કરવામાં વિલંબ થયો છે. આરોપ છે કે આ સમગ્ર મામલામાં 20 હજાર કરોડ રૂપિયાની મોટી રમત રમાઈ છે. આ કેસમાં ગણપતિ ટ્યુબવેલ કંપની અને શ્રી શ્યામ શાહપુર ટ્યુબવેલ કંપનીના નામ પણ સામે આવ્યા છે, જેમના પર નિયમોનો ભંગ કરીને કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને લાંચ આપીને ટેન્ડરો અને ગેરકાયદેસર સિક્યોરિટી મેળવવાના પણ આક્ષેપો છે. બંને કંપનીઓએ આશરે રૂ. 1000 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. ED આ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: કેજરીવાલ સરકારના જમીન કેસના રિપોર્ટ પર વિચાર કરવાનો LGનો ઈનકાર