ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: વર્લ્ડ કપની ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરશે તો જીતશે, જાણો કેમ

  • એક લાખ કરતાં વધારે ‘પ્રેક્ષકો મેન ઇન બ્લૂ’ ભારતને સમર્થન આપશે
  • પ્રેક્ષકો ભારતને સમર્થન આપશે જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમની મુશ્કેલીઓ વધશે
  • ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરીને ફાયદામાં રહેશે

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલમાં એક લાખ કરતાં વધારે ‘પ્રેક્ષકો મેન ઇન બ્લૂ’ ભારતને સમર્થન આપશે. તેમજ ટોસ જીતો મેચ જીતો, 325નો ટાર્ગેટ વિનિંગ સાબિત થશે તેમ ચર્ચા શરૂ થઇ છે.

અમદાવાદની પિચ બીજી ઇનિંગમાં ઝાકળના કારણે ધીમી પડે છે

બીજી ઇનિંગમાં પિચ ધીમી પડતા રન બનાવવા મુશ્કેલ બનશે. તથા સ્પિનર્સની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બનશે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યજમાન ભારત અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આઇસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ ઉપર વિશ્વના કરોડો લોકોની નજર રહેશે. વિશ્વની બે બેસ્ટ ટીમો વચ્ચે રમાનારો આ ખરાખરીનો જંગ અત્યંત રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે. રોહિત શર્મા અને પેટ કમિન્સના નેતૃત્વમાં પ્રથમ વખત ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમ ફાઇનલમાં પહોંચી છે.

ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરીને ફાયદામાં રહેશે

કરોડો લોકોની અપેક્ષાના દબાણનો જે ટીમ ખૂબીથી સામનો કરી શકશે તે ચેમ્પિયન બનશે તે નિશ્ચિત છે. જોકે આ મેચમાં ટોસની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બની જશે. ફાઇનલ મેચમાં ટોસની ભૂમિકાને નકારી શકાય તેમ નથી કારણ તેને જીતનાર ટીમના વિજયની સંભાવના વધી જાય છે. ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરીને ફાયદામાં રહેશે કારણ કે અમદાવાદની પિચ બીજી ઇનિંગમાં ઝાકળના કારણે ધીમી પડે છે અને તેની ઉપર રન બનાવવા મુશ્કેલી બની જાય છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમ 315થી 350ની વચ્ચે સ્કોર નોંધાવશે તો બીજી ટીમ ઉપર ફાઇનલ જીતવાનું દબાણ વધી શકે છે. કપરા ટાર્ગેટના દબાણ હેઠળ મજબૂત ટીમોની બેટિંગ લાઇનઅપ પણ વિખેરાઈ જાય છે.

ટીમ 315ની આસપાસનો સ્કોર નોંધાવશે તો તેને તે ડિફેન્ડ કરી શકશે

અમદાવાદના પિચ ક્યૂરેટરે પણ સંકેત આપી દીધો હતો કે જે ટીમ 315ની આસપાસનો સ્કોર નોંધાવશે તો તેને તે ડિફેન્ડ કરી શકશે. પિચ ધીમી પડતી હોવાના કારણે બેટિંગ કરવી ખાસ કરીને સ્પિનર્સ સામે આસાન રહેશે નહીં. બંને ટીમનો ટોસ જીત્યા બાદ મેચ પણ જીતવાની ઇચ્છા રાખશે. જોકે ક્રિકેટમાં છેલ્લા બોલ સુધી કોઈ અટકળ કરી શકાતી નથી. નોંધનીય છે કે સ્ટેડિયમમાં એક લાખ કરતાં વધારે પ્રેક્ષકો ભારતને સમર્થન આપશે જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમની મુશ્કેલીઓ વધશે.

Back to top button