તપાસ કરવાની ના નથી પરંતુ પુરાવા આપો, વિદેશમંત્રીએ કેનેડાને ઘેર્યુ
- વિદેશ મંત્રી એસ જયશંકરે હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે કેનેડાને ઘેર્યુ
- તપાસ કરવાની ના નથી પરંતુ પુરાવા આપો- એસ જયશંકર
- ભારતે ક્યારેય આ મામલે તપાસ કરવાનો ઇનકાર કર્યો નથી
લંડનઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે બોલતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, ભારત કોઈપણ તપાસનો ઇનકાર કરી રહ્યું નથી. આ સાથે તેમણે નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીના કેનેડાના આરોપો પર પુરાવા આપવા કહ્યું હતું. વિદેશમંત્રી જયશંકરે લંડનમાં પત્રકાર લિયોનેલ બાર્બર સાથે ‘હાઉ અ બિલિયન પીપલ સી ધ વર્લ્ડ’ શીર્ષકવાળી ઇવેન્ટમાં પ્રશ્નોના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.
પુરાવા આપો, અમે તપાસનો ઇનકાર નથી કરી રહ્યા
બ્રિટનની 5 દિવસની સત્તાવાર મુલાકાતે લંડન પહોંચેલા એસ જયશંકરે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, જો તમારી પાસે આવો આરોપ લગાવવાનું કોઈ કારણ હોય તો કૃપા કરીને પુરાવા આપો કારણ કે અમે તપાસનો ઇનકાર કરી રહ્યા નથી. તેમણે એ વાત ઉપર ભાર આપ્યો કે, કેનેડાએ તેના આરોપને સમર્થન આપવા માટે ભારતને કોઈ પુરાવા આપ્યા નથી. કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં 18 જૂને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટની સંભવિત સંડોવણી અંગે સપ્ટેમ્બરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.
કેનેડાએ ગુનેગારો સામે પગલાં લીધાં નથી
ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત અને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. કેનેડામાં ખાલિસ્તાન તરફી ગતિવિધિઓનો ઉલ્લેખ કરતા વિદેશમંત્રીએ કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જવાબદારી આવે છે અને તે સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરવો અને રાજકીય હેતુઓ માટે તેનો દુરુપયોગ સહન કરવો ખૂબ જ ખોટું છે. તેમણે કેનેડામાં ભારતીય હાઈ કમિશન પર હુમલા અથવા હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલ પર બોમ્બ હુમલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારતીય રાજદ્વારીઓને જાહેરમાં ડરાવવામાં આવ્યા હતા જ્યારે કેનેડિયન સત્તાવાળાઓએ ગુનેગારો સામે કોઈ પગલાં લીધાં નથી.
જસ્ટિન ટ્રુડોએ ફરીથી પોતાના આરોપોનું પુનરાવર્તન કર્યું
ગયા અઠવાડિયે ટ્રુડોએ કહ્યું હતું કે કેનેડા અત્યારે ભારત સાથે લડાઈ ઇચ્છતું નથી, પરંતુ તેમણે તેમના આક્ષેપોને પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે ઓટાવા આ ખૂબ ગંભીર બાબત પર નવી દિલ્હી સાથે રચનાત્મક રીતે કામ કરવા માંગે છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે, કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની વધતી ગતિવિધિઓ અંગે ભારતે અમેરિકાને તેની ગંભીર ચિંતાઓ જણાવી છે. ક્વાત્રાએ તાજેતરમાં નવી દિલ્હીમાં કહ્યું, જ્યાં સુધી કેનેડાની વાત છે અમે અમારા તમામ મિત્રો અને ભાગીદારો સાથે સતત વાતચીતમાં છીએ. અમે અનેક પ્રસંગોએ આ બાબતે અમારી સ્થિતિ વિગતવાર જણાવી અને સમજાવી છે.
આ પણ વાંચો, ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો કયા રહ્યું સૌથી ઓછુ તાપમાન