સેમીફાઇનલ મેચમાં ભારતની ન્યુઝીલેન્ડ સામે શાનદાર જીત, મોહમ્મદ શમીએ ઝડપી 7 વિકેટ
- મુંબઈના વાનખેડ સ્ટેડિયમમાં ભારત ક્રિકેટ ટીમનો વાગ્યો ડંકો
- સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડને 70 રને હરાવી ફાઇનલમાં મેળવ્યો પ્રવેશ
- મોહમ્મદ શમીએ લીધી 7 વિકેટ તો વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ફટકારી સદી
મુંબઈ : ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો થયો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે શાનદાર સ્ટાઈલમાં જીત મેળવી હતી અને ફાઈનલની ટિકિટ મેળવી છે. ભારતે સેમીફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડને 70 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. મેચમાં મોહમ્મદ શમીએ 7 વિકેટ લીધી હતી જ્યારે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સદી ફટકારી ભારતને જીત આપવી હતી. ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. આ રીતે ભારતે ચાર વર્ષ પહેલા મળેલી હારનો બદલો લીધો છે.
𝗢𝗻𝗲 𝘀𝘁𝗲𝗽 𝗰𝗹𝗼𝘀𝗲𝗿! 🏆#TeamIndia 🇮🇳 march into the FINAL of #CWC23 🥳#MenInBlue | #INDvNZ pic.twitter.com/OV1Omv4JjI
— BCCI (@BCCI) November 15, 2023
Today’s Semi Final has been even more special thanks to stellar individual performances too.
The bowling by @MdShami11 in this game and also through the World Cup will be cherished by cricket lovers for generations to come.
Well played Shami!
— Narendra Modi (@narendramodi) November 15, 2023
વિરાટ કોહલીએ 117 રન તો શ્રેયસ અય્યરે 105 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીએ ભારત માટે 117 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી, જે તેની ODI કારકિર્દીની 50મી સદી હતી. આ સિવાય શ્રેયસ અય્યરે 105 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 80 રન બનાવીને મહત્વનું યોગદાન આપ્યું હતું. દર વખતની જેમ રોહિત શર્માએ સારી શરૂઆત આપી અને 29 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
સેમિફાઇનલ મેચમાં મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી
ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 7 વિકેટ ઝડપી હતી. જેથી મોહમ્મદ શમી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે આ સિવાય સિરાજ, બુમરાહ અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી છે. 398 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડે 2 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, તેમ છતાં ન્યુઝીલેન્ડે એવું અનુભવવા દીધું નહીં કે મેચ સંપૂર્ણપણે ભારતના નિયંત્રણમાં છે. કિવી ટીમને શરૂઆતના બંને ફટકા મોહમ્મદ શમીએ આપ્યા હતા, જેમણે છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર ડેવોન કોનવે (13) અને 8મી ઓવરના ચોથા બોલ પર રચિન રવિન્દ્ર (13)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બે વિકેટ વહેલી પડી ગયા બાદ કેપ્ટન કેન વિલિયમસન અને ડેરીલ મિશેલે ત્રીજી વિકેટ માટે 149 બોલમાં 181 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ શમીએ 33મી ઓવરના બીજા બોલ પર કિવિ કેપ્ટન કેન વિલિયમસનની વિકેટ લઈને આ ખીલેલી ભાગીદારી તોડી હતી. વિલિયમસને 73 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 69 રનની ઇનિંગ રમી હતી. શમી અહીં જ ન અટક્યો અને ઓવરના ચોથા બોલ પર ટોમ લાથમને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો હતો
ન્યુઝીલેન્ડે 220 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ ફરી એકવાર ભારતનો હાથ ઉપર હતો. પરંતુ પાંચમી વિકેટ માટે ડેરીલ મિશેલે ગ્લેન ફિલિપ્સ સાથે પાર્ટનરશીપ શરૂ કરી જેનાથી ફરી એકવાર ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું. ફિલિપ્સ અને મિશેલે પાંચમી વિકેટ માટે 75 રન (61 બોલ)ની ભાગીદારી કરી હતી જેને જસપ્રીત બુમરાહે 43મી ઓવરમાં ફિલિપ્સની વિકેટ લઈને તોડી હતી અને ટીમને હળવાશનો અનુભવ કરાવ્યો હતો. આ પછી 44મી ઓવરમાં કુલદીપ યાદવે માર્ક ચેમ્પમેન (02)ને પેવેલિયન મોકલ્યો હતો.
ત્યારબાદ ટીમને મોટી રાહત આપતા મોહમ્મદ શમીએ સદી ફટકાર્યા બાદ રમી રહેલા ડેરીલ મિશેલને આઉટ કર્યો હતો. શમીએ 46મી ઓવરમાં મિશેલને આઉટ કર્યો હતો, જે 134 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. મેચમાં શમીની આ પાંચમી વિકેટ હતી. આ પછી 48મી ઓવરમાં મિશેલ સેન્ટનર 09 રને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો, 49મી ઓવરમાં ટિમ સાઉથી 09 રને મોહમ્મદ શમીનો શિકાર બન્યો અને 49મી ઓવરમાં લોકી ફર્ગ્યુસન પણ 06 રને શમીનો શિકાર બન્યો હતો.
આ પણ જુઓ :ODI વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં મોટો ફેરફાર, ઈન્ઝમામ-ઉલ-હક નવા મુખ્ય પસંદગીકાર બન્યા