પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના ખૂંટીથી વિકસિત ભારત યાત્રાનો કરાવ્યો પ્રારંભ
- PMએ પીએમ-કિસાન યોજના હેઠળ રૂ. 18,000 કરોડથી વધારેના 15મા હપ્તાની રકમ કરી જાહેર
- 24 હજાર કરોડનાં બજેટ સાથે જનજાતી આદિવાસી ન્યાય મહાઅભિયાનનો કરાવ્યો શુભારંભ
- રાજ્યમાં 7,200 કરોડ રૂપિયાની પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરીને શિલાન્યાસ કર્યો
ઝારખંડ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના ખૂંટીથી વિકસિત ભારત યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો ઉદ્દેશ મુખ્ય સરકારી યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવાનો છે. જેમાં PM મોદીએ પીએમ-કિસાન યોજના હેઠળ રૂ. 18,000 કરોડથી વધારેના 15મા હપ્તાની રકમ જાહેર કરી હતી. પ્રધાનમંત્રીએ 24 હજાર કરોડનાં બજેટ સાથે ‘જનજાતીય ગૌરવ દિવસ’ પર જનજાતી આદિવાસી ન્યાય મહાઅભિયાનનો શુભારંભ પણ કર્યો હતો તેમજ ઝારખંડમાં આશરે 7,200 કરોડ રૂપિયાની પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો હતો.
કાર્યક્રમના સ્થળે પહોંચ્યા બાદ આદિવાસી કલાકારોએ PMનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં હજારો ઉત્સાહી ખેડૂતોએ હાજરી આપી હતી અને અન્ય ઘણા લોકોએ ઓનલાઈન ભાગ લીધો હતો. આ પ્રસંગે ઝારખંડનાં રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી હેમંત સોરેન અને કેન્દ્રીય આદિજાતિ બાબતોનાં મંત્રી અર્જુન મુંડા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પીએમ-કિસાન યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂંટીમાંથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત રૂ. 18,000 કરોડથી વધારેનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો. આ નોંધપાત્ર પ્રકાશનનો હેતુ દેશભરના ખેડુતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ હપ્તો ‘ધરતીના પિતા’ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસે આપવામાં આવ્યો હતો, જેને દર વર્ષે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
PM મોદીએ પીએમ જનજાતી આદિવાસી ન્યાય મહાઅભિયાનની કરી શરૂઆત
આ પ્રસંગે પીએમ મોદીએ પીએમ જનજાતી આદિવાસી ન્યાય મહાઅભિયાનની શરૂઆત કરી હતી, જે 24,000 કરોડ રૂપિયાના બજેટ સાથેની પહેલ છે, જેનો ઉદ્દેશ્ય આદિવાસી જૂથોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. ઝારખંડના સ્થાપના દિવસ પર PM મોદીએ ઝારખંડમાં રેલવે, માર્ગ, શિક્ષણ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા વિવિધ ક્ષેત્રોમાં રૂ. 7200 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું.
PM મોદીએ જનમેદનીને સંબોધન કરતાં શું જણાવ્યું ?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનાં 15મા હપ્તા વિશે વાત કરતાં PMએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ખેડૂતોનાં ખાતામાં રૂ. 2.75 લાખ કરોડથી વધારે રકમ મોકલવામાં આવી છે. તેમણે પશુપાલકો અને માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડ, પશુધન રસીકરણ પર રૂ. 15,000 કરોડનો સરકારી ખર્ચ, મત્સ્ય સંપદા યોજના હેઠળ મત્સ્ય ઉછેર માટે નાણાકીય સહાય અને 10,000 નવા ખેડૂત ઉત્પાદન સંઘોની રચના જેવી પહેલોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પગલાંનો હેતુ બજારોને વધુ સુલભ બનાવીને ખેડુતો માટેના ખર્ચમાં ઘટાડો કરવાનો છે. પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવાની ઉજવણી અને વિદેશી બજારોમાં અન્ન જેવા ભારતીય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોની તેમજ ઝારખંડ રાજ્યમાં હવે ૧૦૦ ટકા વીજળીકૃત રેલ માર્ગો થયાં હોવાની વાત કરી હતી. PMએ સંબોધનમાં ઉલિહાટ્ટુ વિલેજ અને રાંચીમાં ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમની તેમની મુલાકાત વિશે વાત કરી તો જનજાતીય ગૌરવ દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ તેમજ ઝારખંડના સ્થાપના દિવસનાં પ્રસંગે પણ શુભેચ્છા પાઠવીને તેની રચનામાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં યોગદાન વિશે વાત કરી હતી.
PM મોદીએ જણાવ્યું હતું કે, અટલજીની સરકારે પોતાનાં બજેટ સાથે આદિવાસી સમુદાયો માટે એક અલગ મંત્રાલયની રચના કરી હતી, જેમાં અત્યારે 6 ગણો વધારો કરવામાં આવ્યો છે. પીએમ જનમાનના નેતૃત્વમાં સરકારનું લક્ષ્ય આદિમ આદિજાતિઓ સુધી પહોંચવાનું છે, જેમાંથી ઘણા હજી પણ જંગલોમાં રહે છે. આ પ્રકારનાં 75 આદિવાસી સમુદાયો અને આદિમ જનજાતિઓની ઓળખ કરવામાં આવી છે, જેમાં 22,000થી વધારે ગામડાઓમાં લાખો લોકો સામેલ છે.” PM મોદીએ માત્ર સંખ્યાઓને જોડવાથી માંડીને જીવનને જોડવા તરફ આગળ વધવા પર ભાર મૂક્યો હતો. કેન્દ્ર સરકાર આ વ્યાપક અભિયાનમાં 24,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
આ પણ જુઓ :શાનદાર શતકથી કોહલીએ લૂંટી મહેફિલ, PM મોદી સહિત આ દિગ્ગજો આપી બધાઈ