ટોપ ન્યૂઝનેશનલ

બિહારનું સુશાસનઃ ખનન માફિયાઓએ પોલીસ પાર્ટી ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું

Text To Speech
  • માફિયાઓએ ટ્રેક્ટર પોલીસ પાર્ટી પર ચડાવી દેતાં એક પોલીસ કર્મીનું મૃત્યુ, બીજા ઘાયલ

પટણાઃ બિહારના કહેવાતા સુશાસનનો નકાબ આજે વધુ એક વખત ઊતરી ગયો હતો. મળતી વિગતો અનુસાર બિહારના જમુઈમાં ખનન માફિયાઓ ગેરકાયદે રેતી લઈ જઈ રહ્યા હતા ત્યારે બિહાર પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, માફિયાઓએ ગેરકાયદે રેતી ભરેલું ટ્રેક્ટર અટકાવવાને બદલે તેમને રોકવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ પાર્ટી ઉપર જ ચડાવી દીધું હતું જેને કારણે બે પોલીસકર્મી ઘાયલ થયા હતા.

માફિયાઓએ પોલીસો ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું છે એ વાતની જાણ થતા તત્કાળ પોલીસનો અન્ય કાફલો આવી પહોંચ્યો હતો અને ઘાયલ બંને પોલીસકર્મીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ ગંભીર રીતે ઘાયલ થયેલા ઈન્સ્પેક્ટર પ્રભાત રંજને રસ્તામાં જ દમ તોડી દીધો હતો. જ્યારે ઘાયલ અન્ય પોલીસકર્મીને હાલ સારવાર આપવામાં આવી રહી છે.

આ ઘટના જમુઈ જિલ્લાના મહુલીયા તંડ ગામમાં બની હતી. ટ્રેક્ટર ચાલક પોલીસ ઉપર ટ્રેક્ટર ચડાવી દઈને ભાગી ગયો હતો. છેલ્લા સમાચાર મુજબ આ માફિયાઓની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં દિવાળીઃ પ્રમુખ બાઈડને દીપ પ્રગટાવ્યો, ઉપપ્રમુખ કમલા હેરિસે રંગોળી કરી

Back to top button