ઓબેરોય હોટેલ્સના મોભી પીઆરએસ ઓબેરોયનું 94 વર્ષની વયે નિધન
- પીઆરએસ ઓબેરોય “ધ ઓબેરોય ગ્રુપ”ની ફ્લેગશિપ કંપની EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન હતા
- તેમનો જન્મ 1929માં નવી દિલ્હીમાં થયો હતો
- ઓબેરોય ગ્રુપના પ્રવક્તાએ તેમના નિધનની જાણકારી આપી હતી
મુંબઈઃ ઓબેરોય ગ્રુપના (Oberoi Group Chairman) ચેરમેન પૃથ્વીરાજ સિંહ ઓબેરોય (PRS ઓબેરોય)નું મંગળવારે સવારે નિધન થયું હતું. તેઓ 94 વર્ષના હતા. પીઆરએસ ઓબેરોયે ભારતમાં હોટલ બિઝનેસને નવી દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ આ વ્યવસાયની સ્થિતિ બદલવા માટે જાણીતા હતા. PRS ઓબેરોયે 2022 માં EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને EIH એસોસિએટેડ હોટેલ્સ લિમિટેડના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. તેમને 2008માં પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
સાંજે અંતિમ સંસ્કાર થશે
કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે પૃથ્વી રાજ સિંહ ઓબેરોયના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે ભગવંતી ઓબેરોય ચેરીટેબલ ટ્રસ્ટ, ઓબેરોય ફાર્મ, કપાસેરા ખાતે કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે ઓબેરોય ગ્રુપમાંથી કોઈ પણ વ્યક્તિ અથવા પીઆરએસ ઓબેરોયને ઓળખતી વ્યક્તિ અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે છે. ગ્રુપની તમામ હોટલ અને કોર્પોરેટ ઓફિસમાં તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરવામાં આવશે.
તેમના પુત્રો વિક્રમ અને અર્જુન ઓબેરોયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે તમને અમારા પ્રિય નેતા શ્રી પી.આર.એસ.ના શાંતિપૂર્ણ નિધનની જાણ કરવા ઈચ્છીએ છીએ. તેમનું અવસાન ધ ઓબેરોય ગ્રૂપ અને ભારત અને વિદેશમાં હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે નોંધપાત્ર ખોટ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમના અતૂટ સમર્પણ અને ઉત્કૃષ્ટતા માટેના જુસ્સાએ ઓબેરોય ગ્રૂપ અને અમારી હોટેલોને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠમાં ઓળખવા માટે આકાર આપ્યો હતો. તેમનો વારસો ભારત અને સમગ્ર વિશ્વમાં હોસ્પિટાલિટી લેન્ડસ્કેપને પ્રભાવિત કરીને અમારી સંસ્થાથી વધુ વિસ્તરેલો છે.
PRS ઓબેરોય કોણ હતા?
તેઓ ઓબેરોય ગ્રુપના સ્થાપક રાય બહાદુર એમએસ ઓબેરોયના પુત્ર હતા અને તેમનો જન્મ 3 ફેબ્રુઆરી 1929ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. ભારતમાં તેમનો પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.તેઓ ધ ઓબેરોય ગ્રુપની ફ્લેગશિપ કંપની EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. તેઓ ઓબેરોય હોટેલ્સ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન પણ હતા, જે EIH લિમિટેડના મુખ્ય શેરહોલ્ડર હતા. EIH લિમિટેડ વેબસાઈટ અનુસાર, ઘણા દેશોમાં લક્ઝરી હોટેલ્સના સંચાલન માટે નેતૃત્વ પૂરું પાડવા ઉપરાંત, ઓબેરોય હોટેલ્સ અને રિસોર્ટ્સના વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. પીઆરએસ ઓબેરોયને મહત્વના શહેરોમાં અનેક લક્ઝરી હોટલ ખોલવાની સાથે આંતરરાષ્ટ્રીય લક્ઝરી પ્રવાસીઓના નકશા પર ઓબેરોય હોટેલ્સ મૂકવાનો શ્રેય આપવામાં આવ્યો હતો.
પીઆરએસ ઓબેરોય માનતા હતા કે, કોઈપણ સંસ્થાની સૌથી મૂલ્યવાન સંપત્તિ તેના લોકો છે. તેઓ હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં ગુણવત્તાને ખૂબ જ મહત્વપૂર્ણ માનતા હતા. કંપનીએ નિવેદનમાં કહ્યું કે માનદ અધ્યક્ષના નિધનના સમાચારથી દરેકને દુઃખ થયું છે. તેમનું અવસાન ઓબેરોય ગ્રુપ અને ભારત અને સમગ્ર વિશ્વમાં હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે મોટી ખોટ છે.
આ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા
પીઆરએસ ઓબેરોયને ઉદ્યોગમાં તેમના અમૂલ્ય યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2008માં તેમને દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો હતો. તેમને 2010નો કોર્પોરેટ હોટેલિયર ઓફ ધ વર્લ્ડ એવોર્ડ અને અનેક લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળ્યા હતા. જેમાં ડિસેમ્બર 2012માં કાન્સમાં આયોજિત ઈન્ટરનેશનલ લક્ઝરી ટ્રાવેલ માર્કેટમાં તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો, કેનેડા પોતે હિંસા અને ઉગ્રવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરે – UNમાં ભારતનું આકરું વલણ