વર્લ્ડ ડાયાબિટીસ ડે: પ્રત્યેક 10માંથી એક વ્યક્તિ મધુમેહનો શિકાર
આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે. આ એક એવો રોગ છે જેનાથી શરીર નબળું પડી જાય છે. રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં 10માંથી એક વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર છે. 90%થી વધુ લોકોને ટાઈપ-2 ડાયાબિટીથી (મધુમેહ, મધુપ્રમેહ) પીડિત છે. જ્યારે અડધાથી વધુ લોકો ડાયાબિટીસના રોગથી અજાણ છે. ડાયાબિટીસ ધરાવતા લોકોને હૃદયથી લઈને આંખો અને ચેતા સુધીની ગંભીર સમસ્યાઓનું જોખમ રહેલું છે. આ સિવાય શુગર લેવલ વધવાથી તમારી કીડનીને નુકસાન થઈ શકે છે, પરંતુ તે કિડની ફેલ્યોર જેવી જીવલેણ સમસ્યાઓનું જોખમ પણ વધારે છે. જો કે, હેલ્ધી આદતો અપનાવીને ટાઈપ-2 ડાયાબિટીસ અને તેની ગંભીર સમસ્યાઓેને અટકાવી શકાય છે.
વૈશ્વિક સ્તરે ડાયાબિટીસના કેસ ઝડપથી વધી રહ્યા છે. વિશ્વ ડાયાબિટીસ દિવસ દર વર્ષે 14 નવેમ્બરે લોકોને આ રોગ વિશે શિક્ષિત અને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 1922માં ચાર્લ્સ હર્બર્ટ બેસ્ટ સાથે હોર્મોન ઇન્સ્યુલિનની શોધ કરનાર સર ફ્રેડરિક બેન્ટિંગના જન્મદિવસની યાદમાં દર વર્ષે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે.
ભારતમાં 10 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત
ભારતમાં 10 કરોડ લોકોને ડાયાબિટીસ છે. 13 કરોડ લોકોને પ્રિ-ડાયાબિટીસ છે. એક રિપોર્ટ અનુસાર, 2045 સુધી ડાયાબિટીસથી પીડિત પુખ્તવયના ત્રણ-ચતુર્થાંશથી વધુ લોકો ઓછી અને ઓછી મધ્યમ આવક ધરાવતા વર્ગમાં હશે. જેમાંથી દર 10માંથી એક કરતાં એકને જ સંભાળ અને સારવારની સુવિધા મળશે. ધ લેન્સેટના રિસર્ચ પેપરમાં પ્રકાશિત થયેલા નવા અંદાજ મુજબ 2050સુધીમાં વિશ્વભરમાં ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યા બમણી થઈ જશે. નવા અંદાજો દર્શાવે છે કે 2050 સુધીમાં વિશ્વભરમાં ઓછામાં ઓછા 1.3 અબજ લોકો ડાયાબિટીસનો શિકાર બનશે.
વિશ્વ ડાયાબિટીસ દિવસનો ઇતિહાસ શું છે?
ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (IDF) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા 1991માં વિશ્વ ડાયાબિટીસ દિવસની સ્થાપના આ રોગ દ્વારા થતા આરોગ્યના જોખમ અંગે વધતી જતી ચિંતાઓના જવાબમાં કરાઈ હતી. આ દિવસે લોકોને આ ખતરનાક રોગ વિશે જાગૃત કરવામાં આવે છે. 2006માં એક ઠરાવ પસાર થયા બાદ વિશ્વ ડાયાબિટીસ દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.
ડાયાબિટીસ દિવસ 2023 ની થીમ શું છે?
આ વખતે વિશ્વ ડાયાબિટીસ દિવસ 2023 ની થીમ ‘એક્સેસ ટુ ડાયાબિટીસ કેર’ છે. એટલે કે લોકોને મેટાબોલિક ડિસઓર્ડર અને ડાયાબિટીસ મેલીટસને લગતા રોગો વિશે જાગૃત કરવા જેથી લોકો ડાયાબિટીસ વિશે જાગૃત થઈ શકે અને શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે.
આ પણ વાંચો: ડાયાબિટીસ હોય તો પણ દિવાળી પર મીઠાઈ ખાવાથી ન ડરશો, આ રહી મીઠ્ઠી ટિપ્સ