- આજથી વિક્રમ સંવત 2080ની શરુઆત થઇ
- CM મંત્રીમંડળ નિવાસસ્થાને અધિકારી અને નાગરિકોને શુભેચ્છા આપશે
- ભારત સંકલ્પ યાત્રામાં લોકોને જોડાવા અપીલ
આજથી વિક્રમ સંવત 2080ની શરુઆત થઇ છે. ત્યારે પરંપરા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચનાથ મંદિરે દર્શન કર્યા છે. જેમાં તમામ મુખ્યમંત્રીઓ પંચદેવ મંદિરે દર્શન કરે છે. આ પ્રથા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે વખતથી શરૂ થઇ છે. તેઓ નવા વર્ષની શરૂઆત પંચનાથ મંદિરે દર્શન કરી કરતા હતા.
મુખ્યમંત્રી અડાલજ ત્રિમંદિરે પણ દર્શનાર્થે ગયા
મુખ્યમંત્રી અડાલજ ત્રિમંદિરે પણ દર્શનાર્થે ગયા છે. તેમજ મંત્રીમંડળ નિવાસસ્થાને અધિકારી અને નાગરિકોને શુભેચ્છા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી છે. તેમજ જણાવ્યું છે કે નવુ વર્ષ આનંદમય અને કલ્યાણમય રહે. આવતીકાલે જનજાતિ દિવસ ઉજવાશે. ભારત સંકલ્પ યાત્રાઓ નીકળશે. જેમાં લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાય તેવી અપીલ છે.
10 વાગે ભદ્રકાળી મંદિરમાં પણ દર્શન કરશે
અડાલજના ત્રિમંદિરમાં દર્શન-પૂજા કરી બાદમાં તેઓ 8થી 8:45 સુધી મિનિસ્ટર્સ એન્કલેવના કમ્યુનિટી સેન્ટરમાં, 8:50 વાગે રાજભવનમાં, 10:30થી 11:30 સુધી અમદાવાદ સર્કિટ હાઉસમાં અને 11:45 વાગે શાહીબાગ ડફનાળા પોલીસ ઑફિસર્સ મેસમાં શુભેચ્છાની આપ-લે કરશે. તેઓ વચ્ચે 10 વાગે ભદ્રકાળી મંદિરમાં પણ દર્શન કરશે.
બેસતા વર્ષે ગૃહમંત્રી અમિત શાહ નિવાસસ્થાને કાર્યકર્તાઓને મળશે
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ દિવાળી, ગુજરાતી નૂતનવર્ષના તહેવારો નિમિત્તે અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે બેસતા વર્ષે તેઓ સવારે 9થી 10-30 કલાક દરમિયાન થલતેજ ખાતે જલસા પાર્ટી પ્લોટ પાછળ 16, રોયલ ક્રિસન્ટ બંગલો ખાતે કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને નવાવર્ષની શુભેચ્છાઓનું આદાન- પ્રદાન કરશે.