ભાઈબીજે બહેનના ઘરે જમવાનું શું છે મહત્ત્વ? કપાળે તિલક કેમ કરવું?
- કારતક માસના શુક્લ પક્ષની બીજ તિથિનો આરંભ 14 નવેમ્બરે બપોરે 2 . 35 વાગ્યે થશે અને 15 નવેમ્બરે બપોરે 1. 47 વાગ્યે સમાપ્ત થશે
આપણા દેશમાં ભાઇ-બહેનના પ્રેમ અને પવિત્ર બંધનના પ્રતીક સમાન રક્ષાબંધન અને ભાઈબીજ એ બે મુખ્ય તહેવાર છે. બંને તહેવારોમાં ભાઇ અને બહેન એકબીજા પ્રત્યે પરંપરાગત રીતે સ્નેહ પ્રગટ કરે છે. ભાઈબીજ ભાઇ-બહેનના અતૂટ અને અનન્ય પ્રેમના પ્રતીકનો પર્વ છે. આ વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજ તિથિનો આરંભ 14 નવેમ્બરે બપોરે 2 . 35 વાગ્યે થશે અને 15 નવેમ્બરે બપોરે 1. 47 વાગ્યે સમાપ્ત થશે. તેવામાં ઉદયા તિથિ અનુસાર, 15 નવેમ્બરે ભાઈબીજ ઉજવવામાં આવશે. 14 નવેમ્બર, મંગળવારના દિવસે બપોર પછી ભાઈબીજ ઉજવી શકાય છે. બપોરે 2.35 વાગ્યાથી શુભ મુહૂર્ત શરૂ થઇ જશે.
ભાઈબીજને યમ દ્વિતિયાના નામે પણ ઓળખવામાં આવે છે. આ પર્વમાં બહેનો પોતાના ભાઇને તિલક કરે છે અને તેને નાળિયેર આપે છે. તે પછી બહેન તેના ભાઈબીજ સાથે યમરાજ અને મા યમુનાની પૌરાણિક કથા જોડાયેલી છે.
આ સમયે કરો ભાઇને તિલક
તમે 14 નવેમ્બરે બપોર પછી તમારા ભાઇને તિલક લગાવી શકો છો. જો તમે 14 તારીખે તિલક ન લગાવી શકો તો તમે 15 નવેમ્બરના દિવસે બપોરે 1.47 સુધી તિલક લગાવી શકો છો. ભાઈબીજના દિવસે ભાઇને તિલક લગાવતા પહેલા યમરાજ અને મા યમુનાનું ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે. કેમ કે વર્ષો બાદ જ્યારે યમરાજા તેમની બહેન યમુનાને મળ્યા ત્યારે બહેને ભાઈના કપાળે તિલક લગાવ્યું હતું. ત્યારબાદ ભાઇના કપાળ પર તિલક અને અક્ષત લગાવવામાં આવે છે અને તેને મીઠાઇ ખવડાવવામાં આવે છે. આ દરમિયાન બહેનો ભાઇને નાળિયેર આપે છે અને ભાઇ બહેનને ભેટ આપે છે. આ દિવસે કાળા વસ્ત્ર પહેરવા શુભ માનવામાં આવતા નથી.
શા કારણે ઉજવવામાં આવે છે ભાઈબીજ?
એવી માન્યતા છે કે ભાઈબીજની કથા યમરાજ અને મા યમુના સાથે જોડાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર, યમરાજ અને મા યમુના બંને સૂર્યદેવના સંતાન છે અને ભાઇ-બહેન છે. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. યમરાજ તેમને નરકની સંભાળ રાખવાની હોવાથી બહેનના આમંત્રણ છતાં બહેનના ઘરે જઈ શકતા ન હતા. યમરાજ જ્યારે બહેનના ઘરે જમવા ગયા ત્યારે તેમણે નરકમાં પડેલા બધા જીવોને છોડી મૂક્યા. કારતકની અજવાળી બીજના દિવસે યમરાજા પોતાના દૂતો સાથે બહેનને ત્યાં જમવા આવ્યા. યમુનાજીએ તો સુંગંધીદાર તેલથી ભાઈને નવરાવ્યા અને ભાતભાતની રસોઈ કરીને પ્રેમથી જમાડ્યા. ઘણા વર્ષો પછી જ્યારે યમરાજ બહેન યમુનાને મળવા પહોંચ્યા તો તેમણે ભાઈના મસ્તક પર તિલક લગાવ્યું અને ભેટમાં નાળિયેર આપ્યું.
…અને યમરાજે બહેનને વરદાન માંગવા કહ્યું
બહેનના સત્કારથી યમરાજા પ્રસન્ન થયા અને બહેનને વરદાન માગવા કહ્યું. યમુનાજીએ કહ્યું તમારે વરસમાં એકવાર કારતકની બીજના દિવસે મારે ત્યાં જમવા આવવું અને પાપીઓને નરકમાંથી છોડી દેવા. કારતક સુદ બીજને દિવસે જે ભાઈ પોતાની બહેનના હાથે જમે તેની તમામ મનોકામના પૂર્ણ કરવી. યમરાજા બોલ્યા ‘બહેન મારું વચન છે કે, હું કારતકની અજવાળી બીજના દિવસે તારે ત્યાં ભોજન કરીશ અને જે ભાઈઓ ભાઈબીજના દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તે નરકનું બારણું નહિ જુએ. યમરાજાએ એમ પણ કહ્યું કે સગી બહેન ન હોય તો પિતરાઈની દીકરી, મામાની દીકરી, માસીની દીકરી અથવા ફોઈની દીકરીને ત્યાં જમવું. બહેન ન હોય તો પોતાના મિત્રની બહેનને ત્યાં જમનાર ભાઈને પણ એવું જ ફળ મળશે. આ પ્રમાણે બહેનને વચન આપી, યથાશક્તિ ભેટ આપી યમરાજા ચાલતા થયા. ભાઈ રોગી હોય, બંધનમાં હોય અથવા તો બહેનને ત્યાં જવાનું ન જ બની શકે તો આ ભાઈબીજની વાર્તાનું સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલું જ ફળ મળે છે. આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમે અને શક્તિ પ્રમાણે ભેટ આપી બહેનને રાજી કરે.
આ પણ વાંચોઃ દિવાળીઃ એક સમયે અમારા મલકમાં દિવાળીએ ઘોડીઓની રેસ થતી