મિર્ઝાપુરમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, કોચના કાચ તૂટ્યા
- ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ભાગલપુર લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો
- જો કે કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. આ ઘટના અંગે મુસાફરોએ તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી
- આરપીએફની એક ટીમ તરત પહોંચી અને ઘટનાની માહિતી લીધી
મિર્ઝાપુર: ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ટ્રેન પર પથ્થરમારો થયો છે. આ વખતે મિર્ઝાપુરમાં ભાગલપુર-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવવામાં આવી છે. પથ્થરમારાની આ ઘટનામાં ટ્રેનના અનેક કોચના કાચ તૂટી ગયા હતા. જો કે કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. આ ઘટના અંગે મુસાફરોએ તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી. આરપીએફની એક ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની માહિતી લીધી હતી. રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આરપીએફ આ ઘટનાની તપાસ કરી રહી છે.
અહેવાલો મુજબ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશનથી જેવી ટ્રેન મિર્ઝાપુર બોર્ડરમાં પ્રવેશી કે તરત જ કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો શરૂ કરી દીધો. ટ્રેનની અંદર અંધાધૂંધી મચી ગઈ હતી. પથ્થરમારાના કારણે એન્જિન નજીકના જનરલ કોચ, સ્લીપર અને એસી કોચના કાચ તૂટી ગયા હતા. જો કે ટ્રેન આગળ વધતી રહી. મુસાફરોએ આ અંગે મિર્ઝાપુર આરપીએફને જાણ કરી હતી. આ પછી રેલવે પોલીસે મિર્ઝાપુર ખાતે ટ્રેન રોકી અને બોગીમાં આવીને ઘટનાની માહિતી લીધી હતી અને થોડી વાર પછી ટ્રેનને આગળ મોકલવામાં આવી હતી.
બીજી ટ્રેનના મુસાફરોને નિશાન બનાવ્યા
ભાગલપુર લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ રવિવારે મોડી સાંજે પંડિત દીનદયાળ રેલ્વે સ્ટેશન મુગલસરાયથી રવાના થઈ ત્યારે થોડુ અંતર કાપ્યા બાદ બીજા ટ્રેક પર ઉભેલી ટ્રેનના મુસાફરોએ પથ્થરમારો કર્યો હતો. મિર્ઝાપુર આરપીએફના જણાવ્યા અનુસાર, એક ટ્રેન ડાઉન ટ્રેક પર ઊભી હતી જ્યારે ભાગલપુર-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન અપ ટ્રેક પર જઈ રહી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આઉટરમાં ટ્રેન લાંબા સમય સુધી ઉભી રહી હતી તેથી જ મુસાફરોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.
અગાઉ પણ ઘટનાઓ બની છે
રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુપીમાં ટ્રેન પર પથ્થરમારાની આ પહેલી ઘટના નથી. આ વર્ષે જુલાઈમાં અયોધ્યામાં અસામાજિક તત્વોએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરબાજીની આ ઘટના સોહાવલ પાસે બની હતી.
આ પણ વાંચો, વિદેશમંત્રી એસ. જયશંકરે UKમાં દિવાળી ઉજવી, ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ