Diwali 2023ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગધર્મ

દિવાળીઃ એક સમયે અમારા મલકમાં દિવાળીએ ઘોડીઓની રેસ થતી

શૈલેષ ચૌધરી, રડકા (ઉત્તર ગુજરાત)

  • દાયકા પહેલાં નવા વર્ષે ગામમાં રોનક છવાતી

બનાસકાંઠા: હિંદુ પંચાગ અનુસાર કારતક મહિનાની એકમે બેસતું વર્ષ ઉજવવામાં આવે છે. આ દિવસે પહેલાં ગામજણ નવાં નવાં કપડાં પહેરીને સજી ધજીને ગામમાં પહોંચી જતા. ત્યાર પછી ગામના દરેક મંદિરોમાં ભગવાનના દર્શન કરીને આ નવું વર્ષે સુખમય વિતે તે માટે પ્રાર્થના કરતા અને ત્યાર પછી ગયા વર્ષમાં જે સગા-વ્હાલા અવસાન પામ્યા હોય તેમના ઘરે જઈને આશ્વાસન આપી આવે અને નવા વર્ષે બધું ભૂલીને એક નવી શરૂઆત કરવાની સલાહ આપતા, ત્યાર પછી ગામમાં દરેકના ઘરે ફરવા જવાનું અને બધાને નવા વર્ષના રામ-રામ કહેવાનો રિવાજ. ત્યાર બાદ ગામના મંદિરે ગામવાસીઓની બેઠક થાય અને મહારાજ અગાઉનું વર્ષ કેવું રહેશે તે જણાવે. એ પછી રામ મંદિર તેમજ શિવ મંદિરે 30 વર્ષથી અખંડ દીપ પ્રગટી રહ્યો છે તેના માટે ગામવાસી જોડેથી ફાળો કરવામાં આવે અને ત્યાર પછી સાંજે ગામમાં આજુ-બાજુના ગામમાંથી ઘોડીઓ આવતી અને 200 જેટલી ઘોડીઓનો રેસ થતી. અને ત્યારપછી તો 10-10 દિવસ સુધી હાર-જીતની ચર્ચાઓ ચાલતી.

પહેલાં બેસતા વર્ષની ઉજવણી હર્ષ ઉલ્લાસ વાળી હતી: ગંગારામભાઈ (માજી સરપંચ રડકા)

બેસતાં વર્ષની ઉજવણીની વાત કરાતાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના રડકા ગામના માજી સરપંચ જણાવે છે કે હવે એ સમય રહ્યો નથી જે પહેલાં હતો… પહેલાંની દિવાળી હર્ષ અને ઉલ્લાસ વાળી હતી, હવે એ હર્ષ ઉલ્લાસ દેખાતો નથી. પહેલાં ગામમાં મોટા મોટા કંસુબા થતાં, ગામના મોટા ખેડૂતો ને ત્યાં ઘોડીઓ હોતી જે બેસતા વર્ષના દિવસે ગામવાસી એક સાથે રાખીને રેશ કરતાં અને આનંદ લેતાં. પણ હવે સમય સાથે ઘણો બદલાવ થયો છે. હવે લોકો દિવાળીના ટાઈમે બહાર ફરવાનું વધારે પસંદ કરે છે.

આ પણ વાંચો: દિવાળીઃ કેવી હતી 1990ના દાયકામાં અને આજે શું ફેર પડ્યો?

પહેલાં અને અત્યારેની દિવાળીમાં શું બદલાવ?

પહેલાંના સમયમાં જ્યારે દિવાળી આવવાની હોય ત્યારે દરેક ગામવાસીઓ મહિનાથી દિવાળીની તૈયારીઓ શરૂ કરી દેતા હતા. પણ હવેના સમયમાં લોકો નોકરી ધંધા માટે વતન છોડીને શહેરમાં વસી ગયા હોવાથી દિવાળી માત્ર બે દિવસની બની ગઈ છે.

  • પહેલાં ગામવાસી સાથે મળીને દિવાળીની ઉજવણી કરતાં, અત્યારે દિવાળીના વેકેશનમાં બહાર ફરવાનું વધ્યું…

આ વાત છે એ સમયની જ્યારે દિવાળી લોકો માટે માત્ર વેકેશન નહીં પણ એક વર્ષનો મોટામાં મોટો તહેવાર હતો, એ સમયમાં લોકો મહિના પહેલાંથી દિવાળીની તૈયારીઓ શરૂ કરી દેતાં હતા. જ્યારે અત્યારેના સમયમાં લોકો દિવાળી આવવાની સાથે ફરવા જવાના પ્લાન બનાવવા લાગે છે. જે પહેલાં લોકો ગામવાસીઓ સાથે દિવાળીનો તહેવાર ઉજવતાં હતા તે અત્યારે જોવા મળતો નથી. અત્યારે માત્ર નવા વર્ષના દિવસે જ ગામવાસી ભેગા થાય છે, બાકીના દિવસોમાં નોકરીમાં સમય કે પછી ધંધામાં સમય વિતાવી રહ્યા છે, અને જો વઘારે રજા હોય તો પરિવાર સાથે બહાર ફરવા નિકળી જાય છે.

આ પણ વાંચો : દિવાળીઃ કચ્છમાં કેવી રીતે ઉજવાય છે આ પ્રકાશપર્વ?

“મેઘ મેઘ રાજા અને દિવાળીના રોટલા તાજા”

દિવાળીનો તહેવાર આવતાંની સાથે જ ખેડૂતો તેમનો પાક ખેતરમાંથી ઘરે લાવી દેતાં, જેમાં કાળેગાનો પાક દિવાળીના સમયમાં જ પાકતો. એ પાક આવતાની સાથે જ ગામના દરેક નાનાં-નાનાં બાળકો કાળેગાનું મેરાયું બનાવતાં અને તેમાં દિવેલાનું તેલ નાખી ઘરે-ઘરે ફરતાં અને કહેતાં જતાં “મેઘ મેઘ રાજા અને દિવાળીના રોટલા તાજા”. આ પછી ગામમાં કોઈ પણ જાતિના લોકો હોય પરંતુ પશુપાલન તો દરેકના ઘરે હોતું, જે દિવાળીના દિવસે દરેક પશુ માલિક તેમના પશુઓને શિગડાં તેલથી નવા કરતાં અને તેમને આ મેરાયાના દિવાની સુગંધ આપતાં.

કાળેગા-HDNEWS
કાળેગા

તમને એમ થયું હશે કે આ કાળેગા એટલે શું ? એને તેમાંથી કેવી રીતે મેરાયું બનાવતા હશે અને કેવી રીતે દિવો કરતા હશે.. તો ઉપર તસ્વીરમાં જે પાક દેખાઈ રહ્યો છે એ કાળેગાનો જ છે, જે દિવાળીના સમયમાં ખેડૂતના ખેતરે પાકતો હોય છે. દિવાળીના દિવસે આ કાળેગાના બે ભાગ કરીને તેને મસ્ત ડિઝાઈન આપીને તેમાં દિપ પ્રગટાવવામાં આવે છે.

આમ જોવા જઈએ તો સમય સાથે બધું જ બદલાતું રહેતું હોય છે તે જ રીતે દિવાળી અને બેસતા વર્ષની ઊજવણીમાં પણ ઘણાં બદલાવો જોવા મળી રહે છે.

આ પણ વાંચો: દિવાળી આજે અને એકાદ બે દાયકા પહેલા…

Back to top button