Diwali 2023ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના એક મંદિરમાં 75 વર્ષ પછી ઉજવાઈ દિવાળી, જૂઓ વીડિયો

  • જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એક મંદિરમાં 75 વર્ષ બાદ દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. આઝાદી પછી અહીં પહેલી વાર આ નજારો જોવા મળ્યો છે. આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ વર્ષ 2021માં જ શરૂ થયું હતું.

જમ્મુ-કાશ્મીર: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઘરો અને દુકાનોમાં પૂજા કર્યા પછી લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા. પૂજા સમાપ્ત થયા પછી, બાળકો અને પુખ્ત વયના લોકો ફટાકડા ફોડતા નજરે ચડ્યા હતા, તેમણે આકાશને પણ રંગબેરંગી બનાવી દિધુ હતું. આ દરમિયાન વર્ષો પછી જમ્મુ-કાશ્મીરના શારદા મંદિરમાં પહેલીવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટિટવાલમાં આવેલા શારદા મંદિરમાં વર્ષો પછી દિવાળીની ઊજવણી કરવામાં આવી છે. ‘સેવ શારદા સમિતિ’ના સ્થાપક અને વડા રવિન્દ્ર પંડિતે જણાવ્યું કે, ’75 વર્ષ પછી દિવાળી પર અહીં પૂજા કરવામાં આવી છે. 75 વર્ષ બાદ ફરી એકવાર લોકો આ પૂજાના દર્શન કરી રહ્યા છે તે ખૂબ જ આનંદની વાત છે.’

 

મંદિરની પૂજા દરમિયાન 104 વિજય શક્તિ બ્રિગેડના કમાન્ડર કુમાર દાસ અને સેવ શારદા સમિતિના વડા રવિન્દ્ર પંડિત મંદિરની પૂજામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ત્રિભોની ગામના સ્થાનિક લોકો અને શીખોએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સત્યનારાયણની પૂજા કરવામાં આવી હતી અને ઉપસ્થિત લોકોમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તહસીલદાર તંગધર ઈયાદ કાદરી, કાર્યકર્તા ડો.સંદીપ માવા, શારદા સમિતિના સભ્ય એજાઝ ખાન, ઈફ્તિખાર, નિવૃત કેપ્ટન ઈલ્યાસ, હમીદ મીર અને ત્રિભોની ગામના શીખો ઉપસ્થિત રહ્યા હતા.

1947ના હુમલા પછી પૂજા બંધ થઈ હતી

દેશના ભાગલા પહેલા અહીં એક મંદિર અને ગુરુદ્વાર આવેલું હતું, અહીં 1947 સુધી દિવાળીની ઊજવણી ધામ ધુમથી કરવામાં આવતી હતી. જે બાદ આદિવાસીઓએ આ મંદિર અને ગુરુદ્વાર પર હુમલો કરી સળગાવી દીધા હતા. ત્યાર પછી અહીં ફરી ક્યારેય દિવાળીની ઊજવણી કરવામાં આવી ન હતી, પરંતુ 75 વર્ષ પછી ફરી એકવાર ટિટવાલમાં આવેલા શારદા મંદિરમાં ઊજવણી કરવામાં આવી છે.

શારદા મંદિર ક્યાં આવેલું છે?

શારદાપીઠ એ દેવી સરસ્વતીનું એક પ્રાચીન મંદિર છે જે કાશ્મીરમાં કિશનગંગા નદી (નીલમ નદી)ના કિનારે આવેલું છે. તેની આસપાસનો વિસ્તાર ખૂબ જ સુંદર અને મનોહર છે. શારદાપીઠ મુઝફ્ફરાબાદથી લગભગ 140 કિમી અને કુપવાડાથી લગભગ 30 કિમી દૂર છે.

આ પણ વાંચો: દિવાળી આજે અને એકાદ બે દાયકા પહેલા…

Back to top button