અમેરિકામાં સતત ફાયરિંગની ઘટનાઓ ઘટી રહી છે. અમેરિકા ઇન્ડિયાનામાં ફાયરિંગની ઘટના બની છે. મીડિયા રિપોટ્સ મુજબ ઈન્ડિયાનાના ગૈરી સિટીમાં એક પાર્ટી દરમિયાન ફાયરિંગની ઘટના ઘટી છે. આ ઘટનામાં 10 લોકોને ગોળી લાગી હતી, જે પૈકી 3 લોકોના મોત થયા છે. ગૈરી પોલીસે આપેલી માહિતી પ્રમાણે હૉલિડે પાર્ટી સમયે ફાયરિંગની ઘટના બની હતી.
છેલ્લા એક મહિનામાં ફાયરિંગની ત્રીજી ઘટના
છેલ્લા 24 કલાકમાં ફાયરિંગની આ સતત બીજી ઘટના બની છે. આ અગાઉ સોમવારે શિકાગોમાં ફ્રીડમ ડે પરેડ સમયે પણ ફાયરિંગ થયું હતું, જેમાં 6 લોકોના મોત થયા હતા.આ અગાઉ 13 જૂનના રોજ ગૈરીમાં જ એક નાઈટ ક્લબમાં ફાયરિંગ થયું હતું,જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શૂટિંગ બાદ ગૈરીની નાઈટ ક્લબ બંધ કરી દેવામાં આવી હતી.
શિકાગોમાં ફ્રીડમ પરેડમાં ફાયરિંગમાં 6નાં મોત
સોમવારે અમેરિકાના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શિકાગોમાં ફ્રીડમ ડે પરેડમાં ફાયરિંગ થયું હતું. આ ઘટના શિકાગોના હાઈલેન્ડ પાર્કમાં સર્જાઈ હતી. ઈલેનૉય રાજ્યના ગવર્નર જેબી પ્રિત્ઝકરે 6 લોકોના મોત થયા હોવાની અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી આપી હતી.
હાઈલેન્ડ પાર્કમાં આ ઘટનાને નજરે જોનાર ડેબી ગ્લિકમેને જણાવ્યું હતું કે હું મારા સાથીઓ સાથે પરેડ ફ્લોટ પર ઉપસ્થિત હતો. ઓચિંતા જ લોકો બૂમો પાડવા લાગ્યા હતા. લોકો ખૂબ જ ડરેલા હતા અને જીવ બચાવવા ભાગી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે અહીંથી ભાગો…કોઈ શૂટર છે…કોઈ શૂટર છે…ફાયરિંગ કરી રહ્યા છે.
શાળામાં ફાયરિંગમાં 19 બાળકનાં મોત
24મી મે 2022ના રોજ ટેક્સાસ પ્રાંતની એક શાળામાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં 19 બાળકોના મોત થયા હતા. હત્યારા તે શાળામાં અભ્યાસ કરતો હતો. ફાયરિંગ સમયે હત્યારાને પોલીસે ઠાર કર્યો હતો. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે કડક કાર્યવાહી કરવામાં આવશે.
એક મહિના અગાઉ ફેક્ટરીમાં પણ ફાયરિંગ થયેલું
આશરે એક મહિના અગાઉ અમેરિકાના મેરીલેન્ડમાં બે લોકોએ એક મશીન ફેક્ટરીમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં બે શ્રમિકોના મોત થયા હતા. 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું હતું હતું કે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, સોશિયલ મીડિયા પર યુઝર્સ બન્ને હુમલાખોરોની ધરપકડની વાત કહી હતી. ઘટના બાદ ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (FBI)એ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.