હરિયાણામાં ઝેરી દારૂ કાંડમાં 18 લોકોના મૃત્યુ, આંકડો સતત વધી રહ્યો છે
- હરિયાણામાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક વધીને 18 પર પહોંચી ગયો છે.
- ગુરુવારે આ દારૂ પીને કેટલાક લોકો બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
- શનિવાર સુધીમાં મૃત્યુઆંક વધીને 12 થઈ ગયો હતો.
યમુનાનગર: હરિયાણાના યમુનાનગરમાં ઝેરી દારૂના કારણે મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. ઝેરી દારૂની કાંડમાં અત્યાર સુધીમાં 18 લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ સૌથી વધુ મૃત્યુ યમુનાનગરમાં થયા છે. યમુનાનગરમાં અત્યાર સુધીમાં 16 લોકો મૃત્યુ પામ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલાની તપાસ માટે યમુનાનગર પોલીસે વિશેષ તપાસ ટીમ બનાવી છે.
હરિયાણામાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી વધુ પાંચ લોકોના મૃત્યુ થયા બાદ મૃત્યુઆંક 12 થયો હતો જે હવે 18 થયો છે. અધિકારીઓએ શુક્રવારે માહિતી આપી હતી કે યમુનાનગર જિલ્લામાં 10 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે પડોશી અંબાલા જિલ્લામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ઝેરી દારૂના કારણે આટલી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા બાદ રાજકારણ પણ શરૂ થયું છે. વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને ઈન્ડિયન નેશનલ લોક દળ (INLD) એ મનોહર લાલ ખટ્ટર સરકારને ઘેરી છે. વિરોધ પક્ષોએ કહ્યું કે, રાજ્ય સરકાર ભૂતકાળમાં આવી ઘટનાઓમાંથી પાઠ શીખવામાં નિષ્ફળ રહી છે.
ઉત્તર પ્રદેશથી આવતા મજૂરોએ ઝેરી દારૂ પીધો હતો
યમુનાનગરમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. પોલીસે જણાવ્યુ હતુ કે, અંબાલામાં જીવ ગુમાવનારા બંને લોકો ઉત્તર પ્રદેશના મજૂરો હતા અને તેમણે અંબાલા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઉત્પાદિત શંકાસ્પદ ઝેરી દારૂ પીધો હતો. તે બંને અંબાલાના એક ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને અહીં એક ફેક્ટરીમાં કામ કરતા હતા. અંબાલા જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે તેમની હાલત ગંભીર બની હતી, ત્યારે તેમને મુલાના મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું શુક્રવારે મૃત્યુ થયું હતું.
ઝેરી દારૂ કેસમાં 7 લોકોની ધરપકડ
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કોંગ્રેસના એક નેતા સહિત સાત લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રોકી, રમેશ, કપિલ, ગૌરવ, પ્રદીપ, ગૌરવ ગુગના અને માંગે રામ તરીકે થઈ છે. યમુનાનગરના એસપી ગંગારામ પુનિયાનું કહેવું છે કે ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધુ વધી શકે છે. પોલીસે આજુબાજુના ગામોમાં પંચાયત દ્વારા જાહેરાત કરીને જે લોકોએ શેરીઓ, ચોકો અથવા દુકાનોમાંથી ઝેરી દારૂ ખરીદ્યો તેમને દારૂ ન પીવાની ચેતવણી આપી છે.
ડાયલ 112 વાહનો પણ ગ્રામજનોને ઝેરી દારૂથી બચવા માટે જાગૃત કરી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો પણ અસરગ્રસ્ત ગામોની ઉતાવળમાં મુલાકાત લઈ રહી છે. તહેવારોમાં ગામમાં ગમગીની છવાઈ છે. ઝેરી દારૂના કારણે ઘરોમાં શોકનો માહોલ છે અને ઝેરી દારૂની ચર્ચાના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે.
આ પણ વાંચો, અમેરિકી ગાયિકા મેરી મિલબને દિવાળીની શુભેચ્છા પાઠવવા જૂનો વીડિયો ફરી કર્યો પોસ્ટ