BAN vs AUS : ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો લીધો નિર્ણય

- પુણે ખાતે વર્લ્ડ કપ મેચમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર
- મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડિયમમાં વર્લ્ડ કપની 43મી મેચ
- ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો લીધો નિર્ણય
WORLD CUP 2023 : વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામ-સામે ટકરાશે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડિયમમાં વર્લ્ડ કપની આ 43મી મેચ રમવામાં આવશે. બંને ટીમ વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને બાંગ્લાદેશ સામેની મેચમાં ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી બાંગ્લાદેશ ટીમ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઊતરશે. ઓસ્ટ્રેલિયન ટીમ સેમિફાઇનલ માટે પોતાની ટિકિટ બુક કરી ચૂકી છે. આવી સ્થિતિમાં તેના માટે આ મેચ સેમિફાઇનલ પહેલા પ્રેક્ટિસ મેચ જેવી હશે. જ્યારે બીજી તરફ બાંગ્લાદેશની ટીમ માટે આ મેચ ઘણી મહત્વની રહેશે. આ મેચમાં જીત તેની ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ક્વોલિફિકેશનનો માર્ગ ખોલશે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન સિવાય ટોપ-7 ટીમોને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટિકિટ મળશે. આ માટે 6 ટીમો નક્કી કરવામાં આવી છે અને બાકીની બે જગ્યાઓ માટે ચાર ટીમો વચ્ચે રેસ છે. આ ચાર ટીમોમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ ચારેય ટીમ આ વર્લ્ડ કપમાં માત્ર બે જ મેચ જીતવામાં સફળ રહી છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ આઠ-આઠ મેચ રમ્યા છે. જેમાંથી ઓસ્ટ્રેલિયા છ મેચ જીત્યું છે અને 2 મેચ હારી ગયું છે તો બાંગ્લાદેશ બે મેચ જીત્યું છે અને 6 મેચ હાર્યું છે.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનની ટીમ
બાંગ્લાદેશ સામેની ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનની ટીમમાં ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (wk), માર્કસ સ્ટોઈનિસ, સીન એબોટ, પેટ કમિન્સ (C), એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવનની ટીમ
ઓસ્ટ્રેલિયા સામેની બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવનની ટીમમાં લિટ્ટન દાસ, તન્ઝીદ હસન, નજમુલ હુસૈન શાંતો (C), મુશ્ફિકુર રહીમ (wk), મહમુદુલ્લાહ, મેહિદી હસન મિરાઝ, તોહીદ હ્રદોય, મહેદી હસન, નસુમ અહેમદ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આજના મેચમાં પિચનું સ્વરૂપ કેવું રહેશે?
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પીચ ક્રિકેટ માટે યોગ્ય રહેશે. અહીં બેટ્સમેનોને સારી એવી મદદ મળશે. પરંતુ ફાસ્ટ બોલરો પણ અહીં પ્રભુત્વ જમાવશે. ફાસ્ટ બોલર્સને આ વિકેટ પરથી સારો ઉછાળ અને મૂવમેન્ટ મળશે. છેલ્લી ચાર મેચોમાં પણ અહીં ઝડપી બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે. આજની મેચ બપોરે રમાશે. આવી સ્થિતિમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ ફાયદામાં રહી શકે છે.
આ પણ જાણો :અફઘાનિસ્તાનની વર્લ્ડકપ સફર પૂર્ણ : આફ્રિકાએ 5 વિકેટે હરાવ્યું