શું છે કાળી ચૌદસનું મહત્ત્વ? કેમ ઉજવાય છે આ તહેવાર, જાણો શુભ મુહૂર્ત
- દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનથી ધન-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તે જ રીતે દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદસ પર મા કાલીની, હનુમાનજી અને કાળ ભૈરવની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે.
આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે કાળી ચૌદસને લોકો રૂપ ચૌદસ, નરક ચૌદશ, ભૂત ચતુર્દશી અથવા રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખે છે. કેટલીક જગ્યાએ તેને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસે માતા કાલી અને કષ્ટભંજન દેવની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. સાથે મૃત્યુના દેવતા યમની પણ પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કાળકા માતાએ નરકાસુર રાક્ષસનો વધ કર્યો હતો. તેથી તેને નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. 11 નવેમ્બરે શનિવારના રોજ કાળી ચૌદસ આવતી હોઈ તેનું મહત્ત્વ વધી જાય છે.
શનિવાર હોઈ વધી જશે મહત્ત્વ
ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો તહેવાર એટલે કાળીચૌદશ. આ વર્ષે કાળી ચૌદશ આસો વદ-૧૪ શનિવારે હોવાથી દુર્લભ સિદ્ધિયોગ રચાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૌદશ અને શનિવાર હોવાથી સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. સાથે કાળી ચૌદશ સ્વયં એક સિદ્ધિ પ્રાપ્ત કરવાનું પર્વ છે. આ દિવસે અને રાત્રે મહાકાળી પૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવ પૂજા, તંત્ર યંત્ર મંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી દેવતાની સાધના કરવામાં આવે છે.
નરક ચતુર્દશી સાથે જોડાયેલી એક કથા એવી પણ છે કે, જ્યારે દ્વાપર યુગમાં નરકાસુર નામનો રાક્ષસ લોકોને રંજાડતો હતો, ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો. અને તેણે 16,100 રાણીઓને બંધક બનાવી હતી. ત્યારે તેના ભયાનક આતંકથી છુટકારો મેળવવા માટે બધા દેવતાઓ ભેગા મળી ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયા, પરંતુ નરકાસુરનું મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે જ થશે તેવો તેને શ્રાપ હતો.
ભગવાન શ્રીકૃષ્ણે 16,100 રાણીઓ સાથે લગ્ન કર્યા હતા
દેવતાઓની પ્રાર્થના સ્વીકારી ભગવાન શ્રીકૃષ્ણ નરકાસુરનો વધ કરવા તેમની સાથે તેમની પત્ની સત્યભામાને લઈ ગયા હતા. એ પછી નરકાસુરનો વધ કર્યો અને તેણે બંધક બનાવેલી 16,100 રાણીઓને મુક્ત કરાવી હતા, પરંતુ રાણીઓ મુક્ત થતા તેમને ચિંતા થવા લાગી કે હવે તેમને સમાજમાં કોણ સ્વીકારશે? તેઓ ક્યાં જશે? તેમને કોણ આશ્રય આપશે? એ પછી ભગવાન શ્રીકૃષ્ણે 16,100 રાણીઓ સાથે લગ્ન કર્યા હતા.
ત્યારથી આ બધી રાણીઓ શ્રીકૃષ્ણ ભગવાનની પત્ની તરીકે ઓળખાવા લાગી. બધા દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થયા. જ્યારે નરકાસુરનો સંહાર કર્યો ત્યારે ચૌદશની તિથિ હતી. તેથી આ દિવસને નરક ચૌદશ અથવા નરક ચતુર્દશી પણ કહેવાય છે. આ સિવાય પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ પણ દૈત્યરાજ બલિનું ઘમંડ ઉતારવા આ દિવસે વામન અવતાર લીધો હતો.
અભ્યંગ સ્નાનનું પણ છે મહત્ત્વ
આ સિવાય કાળી ચૌદશના દિવસે અભ્યંગ સ્નાનનું પણ વિશેષ મહત્વ રહેલુ છે. આ દિવસે સૂર્યોદય પહેલા જો શરીર પર માટી લગાવીને સ્નાન કરવામાં આવે તો વ્યક્તિને દરેક રોગમાંથી મુક્તિ મળે છે.
જાણો કાળી ચૌદસનું મુહૂર્ત
પંચાંગ અનુસાર કાળી ચૌદસ 11 નવેમ્બરે બપોરે 1.57 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 12 નવેમ્બર 2023ના રોજ બપોરે 2.44 વાગ્યે સમાપ્ત થશે. કાળી ચૌદસે કાલી માતાની પૂજા કરવામાં આવે છે. નિશિત કાળના મુહૂર્તમાં રાતે 11.39થી 12 નવેમ્બર 12.32 સુધી
કરો આ ઉપાય
કાળી ચૌદસની રાતે એક પીળા કપડામાં હળદળના ગાંગડા, 11 ગોમતી ચક્ર, ચાંદીના સિક્કા અને 11 કોડીઓ બાંધીને 108 વખત શ્રી લક્ષ્મી નારાયણાય નમઃ મંત્રનો જાપ કરો. ત્યારબાદ તેની રોટલી બાંધીને તિજોરીમાં રાખી દો. તેનાથી તમારા વ્યવસાયમાં આવી રહેલી કોઈ પણ પ્રકારની બાધા દૂર થાય છે.
આ પણ વાંચોઃ દિવાળી ગિફ્ટ આપવામાં આટલું રાખજો ધ્યાન, આ વસ્તુઓ છે અશુભ