CBI પર અમારું કોઈ નિયંત્રણ નથી : સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ
- CBI એક સ્વતંત્ર કાનૂની સંસ્થા છે અને તેના પર અમારું કોઈ નિયંત્રણ નથી : કેન્દ્ર
- CBI પર FIR નોંધવા અને રાજ્યની સંમતિ વિના તપાસ શરૂ કરવાનો બંગાળ સરકારનો આરોપ
દિલ્હી : કેન્દ્ર સરકારે ગુરુવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને લઈને સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ જવાબ આપ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, CBI એક સ્વતંત્ર કાનૂની સંસ્થા છે અને તેના પર અમારું કોઈ નિયંત્રણ નથી.” જેના પ્રતિભાવમાં, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને બંગાળ સરકારની અરજીને ફગાવી દેવા વિનંતી કરી હતી જેમાં CBI પર FIR નોંધવા અને રાજ્યની સંમતિ વિના તપાસ શરૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારની પરવાનગી વિના FIR નોંધીને CBI કરી રહી છે તપાસ : બંગાળ સરકાર
પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, “રાજ્યમાં 12 કેસોની સુનાવણીમાંથી CBIને હટાવવામાં આવે. રાજ્યએ કહ્યું છે કે, રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવતા કોઈપણ કેસની તપાસ માટે રાજ્યની સંમતિ ફરજિયાત છે. આમ છતાં CBIએ રાજ્ય સરકારની મંજૂરી વિના FIR નોંધીને તપાસ કરી રહી છે.” તેના પર કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, “CBI એક સ્વતંત્ર કાયદાકીય સંસ્થા છે અને તેના પર તેનું કોઈ નિયંત્રણ નથી.”
બંગાળ સરકારે બંધારણની કલમ 131 હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ મામલામાં કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ બી.આર. ગવઈ અને અરવિંદ કુમારની બેન્ચને કહ્યું કે, “બંગાળ સરકારની અરજી મેન્ટેનેબલ નથી, કારણ કે કલમ 131 હેઠળ સીબીઆઈ સામે કેસ દાખલ કરી શકાય નહીં. આ કેસમાં ઉલ્લેખિત 12 કેસ સીબીઆઈ દ્વારા કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર નોંધવામાં આવ્યા છે. આ તથ્યો કેસમાંથી સંપૂર્ણપણે ગાયબ છે. આ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કારણ કે હકીકતો દબાવવામાં આવી છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ પર FIR પણ નોંધવામાં આવી છે.
23 નવેમ્બરે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે
પશ્ચિમ બંગાળ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારે કેન્દ્રીય એજન્સીઓને તપાસ માટે આપેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધા પછી CBI કોઈ તપાસ કરી શકે નહીં કે કોઈ એફઆઈઆર દાખલ કરી શકે નહીં. આ બંધારણીય મુદ્દો છે. પરતું સંમતિ પાછી ખેંચી લેવામાં આવ્યા પછી પણ ઘણી એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેથી રાજ્યને આ કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. આ કેસની સુનાવણી હવે 23 નવેમ્બરે ફરી શરૂ કરવામાં આવશે.”
બંગાળ સરકારે કેન્દ્રીય એજન્સીઓને તપાસ માટે આપેલી સંમતિ પાછી ખેંચી હતી
જસ્ટિસ ગવઈએ કહ્યું કે, “બેન્ચ પરના જજોની રચના શુક્રવારથી બદલાઈ જશે અને તેથી તેઓ રજિસ્ટ્રીને આ કેસની સુનાવણી માટે બેન્ચની રચના કરવા માટે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચુડની પરવાનગી લેવા માટે નિર્દેશ આપી રહ્યા છે.”
ઉલ્લેખનીય છે કે, 16 નવેમ્બર, 2018ના રોજ પશ્ચિમ બંગાળ સરકારે સીબીઆઈને રાજ્યમાં તપાસ અને દરોડા પાડવા માટે આપવામાં આવેલી ‘સામાન્ય સંમતિ’ પાછી ખેંચી લીધી હતી. CBI રાજ્યમાં ચિટ ફંડ, કોલસાની ચોરી, રાશન વિતરણ ભ્રષ્ટાચાર અને નિમણૂક ભ્રષ્ટાચાર સંબંધિત ઘણા કેસોની તપાસ કરી રહી છે.
આ પણ જાણો :પંજાબ સરકાર V/S ગવર્નર : SCએ કહ્યું, ‘ગવર્નરને કોઈપણ બિલ પરત મોકલવાનો અધિકાર ‘