પાલનપુર : ડીસામાં રૂપિયા 2.94 કરોડના ખર્ચે નવું સર્કિટ હાઉસ બનશે
- ધારાસભ્યના પ્રયાસોથી ડીસાને નવા સર્કિટ હાઉસની ભેટ
પાલનપુર : ડીસામાં હવાઈ પિલ્લરની બાજુમાં રૂપિયા 2.94 કરોડના ખર્ચ નવા સર્કિટ હાઉસ બનાવવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ નવું સર્કિટ હાઉસ બનાવવા લખેલા પત્રના આધારે માર્ગ અને મકાન વિભાગે આધુનિક સુવિધા સભર સર્કિટ હાઉસ બનાવવા રૂપિયા 2.94 કરોડ મંજૂર કર્યા છે.
ડીસાએ સમગ્ર દેશમાં બટાકાનું હબ અને ખેતીવાડીનું મોટું માર્કેટ અને બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય વેપારી મથક ગણાય છે. જેથી ડીસામાં અવારનવાર વીવીઆઈપી, વીઆઈપી મહાનુભાવ આવતા હોય છે.ત્યારે હાલમાં માર્ગ અને મકાન વિભાગના વિશ્રામ ગૃહમાં માત્ર બે જ રૂમ હોવાથી મહેમાનોને રોકાણ કરવામાં અગવડતા ઉભી થઈ રહી છે. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ગત તારીખ 9 જાન્યુઆરીએ રાજ્ય સરકારને પત્ર લખી ડીસામાં નવું સર્કિટ હાઉસ બનાવવાની માગ કરી હતી.
ડીસામાં બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય વેપારી મથક અને હવાઈ મથક આવેલું હોવાથી સરકારના અનેક નાના મોટા પ્રોગ્રામો થતા હોય છે. નેતાઓ અને અધિકારીઓ રોકાઈ શકે તે માટે આધુનિક સુવિધાઓ વાળા સર્કિટ હાઉસની જરૂરિયાત અંગે ધારાસભ્યએ રજૂઆત કરી હતી. જેથી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડીસા ખાતે નવું સર્કિટ હાઉસ બનાવવા રૂપિયા 2.94 કરોડની મંજૂરી આપી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : લાખણીમાં રૂ. 350 લાખના ખર્ચે નવ નિર્મિત સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ શાળાનું લોકાર્પણ