દિવાળી 2023: દેવી લક્ષ્મીના આ આઠ સ્વરૂપ પૂરી કરશે તમારી મનોકામના
- લક્ષ્મીનો અર્થ માત્ર પૈસા નથી, પરંતુ તેનો અર્થ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ છે, જેની પૂજા કરવાથી વ્યક્તિને અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એમ ચારેય વસ્તુઓની પ્રાપ્તિ થાય છે
દિવાળી 2023: દિવાળીનો તહેવાર ધનતેરસથી લઈને ભાઈ બીજ સુધી ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે મહાલક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. સુખ, સમૃદ્ધિ અને મનોકામનાઓની પૂર્તિ માટે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપો વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે. વાહનની ઈચ્છા ધરાવતા લોકોએ વાહનનું સુખ જલ્દી મેળવવા માટે વાહન લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવી જોઈએ, તેવી જ રીતે જો તમારી પાસે રહેવા માટે પોતાનું ઘર ન હોય તો તમારે ભવન લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવી જોઈએ.
આ છે લક્ષ્મીજીના અષ્ટ સ્વરૂપ
શાસ્ત્રોમાં ઉલ્લેખિત દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપોની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, કીર્તિની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
ધન લક્ષ્મી – લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિને સતત ધનની પ્રાપ્તિ થાય છે.
યશ લક્ષ્મી – લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી સમાજમાં યશ, પ્રસિદ્ધિ, માન-સન્માન અને પ્રતિષ્ઠા મળે છે
આયુ લક્ષ્મી – દેવી લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિને દીર્ઘાયુ અને સારું આરોગ્ય મળે છે. જેને નિરોગી શરીર જોઈતું હોય તેમણે આયુ લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.
વાહન લક્ષ્મી – જે લોકોને વાહન સુખ નથી, તેમણે વાહન સુખ અને તમામ ભૌતિક સુખ મેળવવા માટે વાહન લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.
સ્થિર લક્ષ્મી – ઘરમાં ધન-સંપત્તિ અને સમૃદ્ધિ હંમેશા રહે તે માટે સ્થિર લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઈએ.
સંતાન લક્ષ્મી – લક્ષ્મીજીના આ સ્વરૂપની પૂજા કરવાથી બુદ્ધિશાળી બાળકોનો જન્મ થાય છે જે માતા-પિતા સહિત દરેક વ્યક્તિને સુખ આપે છે.
ભવન લક્ષ્મી – જો તમારી પાસે તમારું પોતાનું ઘર નથી, તો તમારે સાચા મનથી ભવન લક્ષ્મીની પૂજા કરવી જોઈએ, ભવન લક્ષ્મીના આશીર્વાદથી તમે જલ્દી જ સુંદર ઘરના માલિક બની શકો છો.
ગૃહ લક્ષ્મી – લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિને સર્વ ગુણ સંપન્ન પત્ની મળે છે. ગૃહલક્ષ્મીનો સંબંધ પત્ની અને શુક્ર સાથે માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં, મજબૂત શુક્ર સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે.
ગૃહલક્ષ્મીનું સન્માન કરવાનું ભૂલશો નહીં
લક્ષ્મીજીએ પોતે કહ્યું છે કે, જે ઘરમાં વ્યક્તિ પોતાની પત્ની કે ઘરની સ્ત્રીઓનું અપમાન કરે છે, હું તે ઘરમાં જતી નથી. કદાચ એટલે જ વડીલોએ પત્નીને ઘરની લક્ષ્મી કહી છે. પત્ની સાચા અર્થમાં લક્ષ્મી છે. દિવાળી પર દેવી મહાલક્ષ્મીનું સ્વાગત કરવાની સાથે સાથે ઘરની લક્ષ્મી, ગૃહલક્ષ્મી એટલે કે પત્નીને માન સન્માન આપવું જોઈએ. વિષ્ણુ પુરાણ, નારદ પુરાણ, મહાભારત વગેરે પ્રાચીન ગ્રંથોમાં પણ કહેવાયું છે કે જે ઘરમાં કલેશ થાય છે, ત્યાંથી લક્ષ્મીજી ચાલ્યા જાય છે, તેમને એવા ઘરમાં રહેવું પસંદ હોતું નથી. તેથી ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ માટે હંમેશા તમારી પત્નીનું સન્માન કરો. જેથી શુક્ર પણ પ્રસન્ન થઈને તમારા ઘર પર સંપત્તિનો વરસાદ કરી શકે છે.
આ પણ વાંચોઃ ધન તેરસે લક્ષ્મી-કૂબેર પૂજન અને સોનું ખરીદવાનું ઉત્તમ મુહૂર્ત જાણો