ધનતેરસ પર ખરીદી માટે ઉત્તમ મુહૂર્ત અને પૂજાનો શુભ સમય પણ જાણો
- ધનતેરસના દિવસે ભગવાન કુબેર, દેવી લક્ષ્મી અને આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરીની પૂજા કરીને ધન-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. આ દિવસથી જ દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે.
સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, આ દિવસને ધન તેરસ તરીકે ઉજવવામાં આવે છે. ધનતેરસ આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કુબેર, દેવી લક્ષ્મી અને આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરીની પૂજા કરીને ધન-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. આ દિવસથી જ દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બર 2023ના રોજ છે. આજના દિવસે સોનુ-ચાંદી, પિત્તળના વાસણો અને નવી વસ્તુઓ ખરીદવાની પરંપરા છે.
ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદવી શુભ
ધનતેરસ પર તમે તાંબા કે પિત્તલનું બનેલું કોઈ પાણીનું વાસણ ખરીદો. આ દિવસે ગણેશજી અને લક્ષ્મીજીની અલગ અલગ મુર્તિઓ ખરીદો. માટીના દીવડા, શ્રીયંત્ર ખરીદો. સોના-ચાંદીના આભૂષણો ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ખરીદી કરવાથી ધન-સંપતિમાં 13 ગણો વધારો થાય છે.
ધનતેરસ પર ખરીદીનું મુહૂર્ત
અભિજીત મુહૂર્તઃ 10 નવેમ્બરે સવારે 11.43થી 12.26 સુધી
શુભ ચોઘડિયા સવારે 11.59થી બપોરે 1.22 સુધી
ચલ ચોઘડિયુઃ સાંજે 4.07 વાગ્યાથી સાંજે 5.30 સુધી
ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત
પ્રદોષ કાળ સાંજે 5.30થી 8.08 સુધી
વૃષભ કાળઃ સાંજે 5.47થી 7.47 સુધી
ધનતેરસ પર રાખો આ વાતનું ધ્યાન
ધનતેરસના પહેલા દિવસે જ દિવાળીની સાફ સફાઈ કરી લો. કુબેર અને ધનવંતરીની પૂજા એક સાથે કરો. આ દિવસે સોના, ચાંદી, પિત્તળ કે સ્ટીલના વાસણ જ ખરીદો. લોખંડ કે પ્લાસ્ટિકની વસ્તુ ખરીદવાથી બચો. ધનતેરસના દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી પણ લાભ થશે.
ધનતેરસની પૂજા વિધિ
ધનતેરસની સાંજે ઉત્તર દિશા તરફ કુબેર અને ધનવંતરીની સ્થાપના કરો. બંનેની સામે ઘીનો એકમુખી દિવો કરો. કુબેરને સફેદ મીઠાઈ અને ધનવંતરીને પીળી મીઠાઈ ચઢાવો. પહેલા ॐ ह्रीं कुबेराय नमः નો જાપ કરો. ત્યારબાદ ધનવંતરી સ્ત્રોતનો પાઠ કરો. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરો. દિવાળીના દિવસે કુબેરને ધનના સ્થાન પર રાખો અને ધનવંતરીની પૂજા વાળી જગ્યાએ સ્થાપિત કરો.
ધનતેરસ પર દીપદાન
ધનતેરસના દિવસે યમ માટે લોટમાંથી ચારમુખી દિવો બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર રાખો. દીપક પ્રગટાવીને દક્ષિણ દિશા તરફ મોં રાખીને યમનું પુજન કરો. એવી માન્યતા છે કે આ દિવસે યમ દેવતાની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય ખતમ થાય છે.
ધનતેરસના દિવસે મુખ્ય દ્વાર કેવું હોવું જોઈએ?
ધનતેરસના દિવસે મુખ્ય દ્વારમાં બંને તરફ સ્વસ્તિકનું ચિહ્ન જરૂર લગાવો. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી રોજ ઘરના મુખ્ય દ્વારમાં કંકુના ચાંદલા કરો. મુખ્ય દ્વાર પર મા લક્ષ્મીના પ્રતિકાત્મક પગલા જરૂર લગાવો. રોજ મુખ્ય દ્વાર પર ઘીનો દીવો કરો.
આ પણ વાંચોઃ ધનતેરસે ભૂલથી પણ ન ખરીદતા આ વસ્તુઓઃ કુબેર દેવતા થશે નારાજ