અમદાવાદગુજરાત

રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ, સાત ઝડપાયા

Text To Speech
રાજકોટમાંથી ગત અઠવાડિયે એક યુવકનું અપહરણ થયું હતું. જેને પોલીસે ગણતરીની કલાકોમાં છોડાવી લીધો હતો. આ મામલે પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર રૂપિયાની લેતીદેતીમાં આ ઘટના બની હતી.
પત્ની અને મિત્રની નજર સામે થયું હતું અપહરણ
મળતી માહિતી મુજબ મુળ સુરતના વતની અને હાલ રાજકોટમાં રહેતા વિલેશભાઈ પરમાર ઢેબર રોડ પર રાજકમલ ફાટક પાસે આવેલ એક ગેરેજમાં હતા ત્યારે બે કારમાં સાત શખ્સો આવ્યા હતા. જેઓએ વિલેશભાઈ સાથે માથાકૂટ કરી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આ બનાવ સમયે ઘટનાસ્થળે તેની પત્ની અલ્પા અને એક મિત્ર હાજર હતા. જો કે તેઓના મનાઈ કરવા છતાં વિલેશભાઈને તેઓએ છોડ્યા ન હતા.
બનાવ અંગે પત્નીએ પોલીસને કરી જાણ
વિલેશભાઈને કારમાં અપહરણ કરીને લઈ જતાં તેમના પત્નીએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેથી ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઈમબ્રાન્ચની ટીમે પણ ઝંપલાવ્યું હતું.
એક શખ્સની રાજકોટ અને ચોટીલાથી ત્રણની ધરપકડ કરાઈ
દરમ્યાન પોલીસે બનાવવાળા સ્થળ પરથી આરોપીઓ કઈ તરફ ગયા છે ? તેની તપાસ દરમિયાન માહિતી મળતા ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો. જેના પગલે સ્થાનિક પોલીસે રાજકોટથી મનીષ પંડ્યાને ઝડપી લઈ તેની પુછપરછ કરી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોટીલા તરફ આરોપીઓનો પીછો કરી ચોટીલાથી રામલાલ જાટ, પ્રેમચંદ ચૌધરી, જીવરાજ ચૌધરીની ધરપકડ કરી હતી.
અપહ્યત વિલેશભાઈ પરમાર મુખ્ય આરોપીની કારમાં હતા
ચાર આરોપીઓ ઝડપાવવા છતાં વિલેશભાઈનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેઓની પુછતાછમાં વિલેશભાઈ મુખ્ય આરોપીની કારમાં હોવાનું અને તેઓ અમદાવાદ તરફ ગયા હોવાનું જાણવા મળતા ટીમે તેમનો પીછો કર્યો હતો. દરમિયાન તે અમદાવાદ SG હાઇવે હોવાનું જાણવા મળતા રાજકોટ પોલીસે અમદાવાદ સેટેલાઇટ પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક અમદાવાદ સેટેલાઇટ પોલીસે ઘટના સ્થળે પહોંચી વિલેષને મુક્ત કરાવી અપહરણ કરનાર મુખ્ય આરોપી રાજેશ જોશી, રાધે ક્રિષ્ના ઉર્ફે ભારમલ ગુજ્જર અને શિવરાજસિંહ રાજપૂતની ધરપકડ કરી રાજકોટ પોલીસને સોંપ્યા હતા.
આરોપીઓ અને વિલેશભાઈ વચ્ચે રૂપિયા તેમજ કાર મામલે માથાકૂટ હતી
પોલીસના જણાવ્યા મુજબ તમામ પકડાયેલ આરોપીઓમાંથી મુખ્ય સૂત્રધાર રાજેશ જોશી છે. રાજેશ અને તેની સાથે રહેલા અન્ય પાંચ શખ્સો મૂળ રાજસ્થાનના વતની છે અને એક મનીષ પંડ્યા નામનો આરોપી મૂળ સુરત અને હાલ રાજકોટ રહે છે. રાજેશએ મનીષને પોતાની કાર વહેંચી હતી અને તેના લોનના હપ્તા ભરવા જણાવ્યું હતું પરંતુ મનીષને કોઈ કારણોસર રૂપિયાની જરૂર હોય જેથી તેને વિલેશભાઈ પરમાર પાસે કાર ગીરવે મૂકી તેની પાસેથી રૂ.2.50 લાખ લીધા હતા. મનીષ રાજેશની કારના લોનમાં હપ્તા ભરતો ન હતો જેથી તેને મનીષને પોતાની કાર પરત કરવા જણાવ્યું હતું પરંતુ કાર તો મનીષ પાસે હતી જ નહિ જેથી તેને વિલેશભાઈ પાસે કાર હોવાનું જણાવ્યું હતું આ કારની માથાકૂટ છેલ્લા છ મહિનાથી ચાલતી હતી જેથી રાજેશ જોશીએ પ્લાન બનાવી તેના અન્ય પાંચ મિત્રોને સાથે રાખી ગત 2 તારીખે અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે પોલીસે પણ અમદાવાદ પોલીસની મદદથી ફિલ્મી ઢબે પીછો કરી આરોપીઓને ઝડપી લઈ અપહ્યત યુવકને મુક્ત કરાવ્યો છે.
Back to top button