અમિત શાહનો પ્રચાર રથ ઈલેક્ટ્રીક વાયર સાથે અથડાયો, ગૃહમંત્રીનો આબાદ બચાવ
- રાજસ્થાનમાં રોડ શો દરમિયાન ઘટના બની
- વાયર અથડાયા બાદ તેમાંથી તણખા ઝરવા લાગ્યા
- સીએમ ગેહલોતે તપાસના આદેશ આપ્યા
રાજસ્થાન: રાજસ્થાનમાં માં રોડ શો દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અકસ્માતમાંથી બચી ગયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાફલો બિડિયાદ ગામથી પરબતસર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમનો કાફલો એક એવી ગલીમાંથી પસાર થયો જેની બંને તરફ દુકાનો અને મકાનો હતાં. આ દરમિયાન તેમના રથનો ઉપરનો ભાગ વાયર સાથે અથડાયો ત્યારબાદ વાયરમાંથી તણખા નીકળવા લાગ્યા હતા. ઈલેક્ટ્રીક વાયર રોડ પર પડી ગયો હતો જેના કારણે રથની પાછળના અન્ય વાહનો તુરંત થંભી ગયા હતા અને વીજપુરવઠો બંધ થઈ ગયો હતો. આ બાદ અમિત શાહને બીજા વાહનમાં બેસાડવામાં આવ્યા હતા.
પરબતસરમાં રોડ શો રદ
અમિત શાહ નિર્ધારિત કાર્યક્રમ મુજબ પરબતસર વિધાનસભા વિસ્તારમાં રોડ શો કરવાના હતા. તે માટે તેમને ભાજપના બેનર સાથે રથ પર લઇ જવામાં આવ્યા હતા. જ્યારે અમિત શાહનો રથ પરબતસરના બિડિયાદ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે રસ્તા પર લટકતા વાયરો સાથે રથ અથડાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમિત શાહનો રોડ શો રદ કરવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓ અમિત શાહને અન્ય વાહનમાં સલામત રીતે લઈ ગયા હતા. આ મામલે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકા ગૃર્જરે કહ્યું કે, દેશના ગૃહમંત્રી સાથે આવી ઘટના બની તે ખૂબ જ નિંદનીય છે. આ ઘટનામાં ચોક્કસ પણે કંઈક કાવતરું હતું કારણ કે બધાને ખબર હતી કે ગૃહમંત્રી તે માર્ગ પરથી પસાર થવાના છે.
સીએમ અશોક ગેહલોતે તપાસના આદેશ આપ્યા
આ અકસ્માત બાદ ગૃહમંત્રી અમિત શાહને અન્ય વાહનમાં પરબતસર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે રેલીને સંબોધિત કરી હતી. સાથે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયપુરમાં પત્રકારોને કહ્યું કે આ મામલાની તપાસના આદેશ આપવામાં આવશે.
આ તારીખે ચૂંટણી
રાજસ્થાનમાં 25 નવેમ્બરે 200 વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. આ ચૂંટણીના પરિણામો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની સાથે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ અશોક ગેહલોતના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે જ્યારે ભાજપે હજુ સુધી કોઈને સીએમ પદનો ચહેરો બનાવ્યો નથી.
આ પણ વાંચો, ગુજરાતમાં દિવાળી તહેવાર નિમિત્તે સીંગ અને કપાસિયા તેલ મામલે આવ્યા મોટા સમાચાર