જમ્મુ-કાશ્મીરના પૂર્વ મંત્રી લાલ સિંહની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ
- EDએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મંત્રી લાલ સિંહની પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ કેસ હેઠળ ધરપકડ કરી
- તેમની પત્ની અને પુત્રીને રાહત આપતા તેમના વચગાળાના જામીન 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યા
- મંત્રીની ધરપકડથી નારાજ તેમના સમર્થકોએ ED ઓફિસની બહાર હંગામો મચાવ્યો હતો
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મંત્રી લાલ સિંહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ મંત્રી લાલ સિંહની ધરપકડના થોડા સમય પહેલા ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે મની લોન્ડરિંગ કેસમાં તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર ED પૂર્વ મંત્રી લાલ સિંહની પત્ની અને પૂર્વ ધારાસભ્ય કાન્તા અંદોત્રાના નેતૃત્વમાં આરબી એજ્યુકેશનલ ટ્રસ્ટની સ્થાપના માટે જમીનની ખરીદીમાં થયેલી ગેરરીતિઓની તપાસ કરી રહી છે. સીબીઆઈએ સપ્ટેમ્બર 2020માં આ મામલે કેસ નોંધ્યો હતો. આ પછી EDએ તેમની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
સમર્થકોએ ED ઓફિસની બહાર હંગામો મચાવ્યો હતો
ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટી (DSSP)ના પ્રમુખ અને પૂર્વ મંત્રીની શહેરની સીમમાં સૈનિક કોલોનીના ચાવરી વિસ્તારના એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મંત્રીની ધરપકડના સમાચાર મળતા જ તેમના સમર્થકોમાં દોડધામ મચી ગઈ હતી. જમ્મુના નરવાલ સ્થિત ED ઓફિસ પાસે તમામ સમર્થકો એકઠા થયા અને તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન સમર્થકોએ અંદર જવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોએ તેમને રોક્યા હતા.
પત્ની કાંતા અંદોત્રાએ પતિને મળવાની પરવાનગી માંગી
પૂર્વ મંત્રીના સમર્થકો લાલ સિંહ ચૌધરીને તેમની પત્નીને મળવા દેવાની માંગ કરી રહ્યા હતા. તેમજ તેમના પત્ની કાંતા અંદોત્રા પણ પોતાના પતિને મળવાની પરવાનગી માંગી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ અને સુરક્ષા અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું છે.
કોર્ટે પત્ની અને પુત્રીની વચગાળાની જામીન 30 નવેમ્બર સુધી લંબાવી છે
મંત્રીના પત્ની અંદોત્રા અને તેમની પુત્રી ક્રાંતિ સિંહને કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તપાસ એજન્સીને સહકાર આપવાના નિર્દેશો સાથે તેમના વચગાળાના જામીન 30 નવેમ્બર સુધી લંબાવ્યા છે. લાલ સિંહ, તેમની પત્ની અને પુત્રીએ PMLA ગુનાના કેસમાં 1 નવેમ્બરના રોજ આગોતરા જામીન માટે અલગ-અલગ અરજી દાખલ કરી હતી. સ્પેશિયલ જજ બાલા જ્યોતિએ ED તરફથી હાજર રહેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અશ્વિની ખજુરિયા અને અરજદારો તરફથી હાજર રહેલા રાજેશ કોટવાલની દલીલો સાંભળ્યા બાદ ત્રણ અલગ-અલગ આદેશો આપ્યા હતા.
મંત્રીએ ભાજપથી અલગ થઈને ડીએસએસપીની રચના કરી
બે વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા લાલ સિંહ વર્ષ 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેઓ પીડીપી-ભાજપ સરકારમાં મંત્રી પણ હતા. આ સરકાર 2018માં ત્યારે પડી જ્યારે ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડી નાખ્યું. જો કે સરકાર પડતા પહેલા જ કઠુઆ બળાત્કાર અને હત્યા કેસના આરોપીઓના સમર્થનમાં આયોજિત રેલીમાં ભાગ લેવાને લઈને થયેલા હોબાળા બાદ તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તેમણે ડીએસએસપીની રચના કરી હતી.
આ પણ વાંચો, હવે મહુઆ મોઇત્રા વિરુદ્ધ વકીલે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, શું છે આરોપ?