મોલમાં છોકરીઓના અયોગ્ય વીડિયો ઉતારનારને એક મહિલાએ રંગેહાથ પકડ્યો

- ક્યારેય છોકરીઓએ કોઈ પણ બદમાશ માટે સોફ્ટ ન બનવું જોઈએ. આવાં તત્ત્વોને પકડીને પોલીસને હવાલે કરવા જોઈએ. જો તમે આગળ આવશો તો બીજું કોઈ તેનો ભોગ બનતું અટકશે
વ્યક્તિઓમાં વિકૃતિ કઈ હદે વધી ચૂકી છે તેનો ઉત્તમ નમૂનો રાંચીના મોલમાં બનેલી ઘટનામાં સામે આવ્યો છે. છોકરીઓ સાથે ઘણી વખત બિભત્સ હરકતો થવાનું સામે આવે છે, પરંતુ જો છોકરીઓ ખુદ સજાગ રહે તો આવી ઘટનાઓને રોકવી શક્ય છે. રાંચીના ન્યુક્લિઅસ મોલમાં આવી જ એક ઘટના બની છે, જેમાં એક મહિલાની સજાગતાના કારણે અયોગ્ય વીડિયો બનાવતી એક વ્યક્તિ રંગેહાથ પકડાઈ છે. યુવતીએ હિંમતપૂર્વક તે યુવકને પકડીને સુરક્ષાકર્મીઓના હવાલે કરી દીધો અને સુરક્ષાકર્મીઓએ તેને થપ્પડ પણ મારી દીધી હતી.
રાંચીના ન્યુક્લિઅસ મોલમાં એક મહિલા શોપિંગ કરી રહ્યા હતા. ફરતાં ફરતાં તેમનું ધ્યાન એક યુવક ઉપર પડ્યું જે કંઈક અસહજ વર્તન કરી રહ્યો હતો. મહિલાએ ધ્યાનથી જોયું ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે એ યુવક શંકાસ્પદ રીતે એક યુવતીની પાછળ આંટા મારતો હતો. યુવતી ટેટુ કાઉન્ટર પર ઊભી હતી અને કંઈક વાત કરવા માટે નીચે નમી, તેણે સ્પગેટી ડ્રેસ પહેર્યો હતો. આ સમયે યુવકે પોતાનો ફોન હેલ્મેટમાં મુક્યો અને તેનો કેમેરા ઑન કરી દીધો હતો. તેના ઉપર ધ્યાન રાખી રહેલી મહિલાએ જણાવ્યું કે પહેલાં તો મને લાગ્યું તે એ જ યુવતીની સાથે છે અને મારે તેની પર શંકા ન કરવી જોઈએ, પરંતુ બીજી જ ક્ષણે મેં તેને હેલ્મેટમાં ફોન મુકતા જોયો અને તેમાં કેમેરા પણ ઑન હતો. તે વીડિયો ઉતારી રહ્યો હતો. પહેલા હું ગભરાઈ ગઈ, પરંતુ મેં હિંમત એકઠી કરી અને મારી નજીક રહેલી છોકરીઓને ઝડપથી ભેગી કરી અને તે વિશે વાત કરી. બધી છોકરીઓ ભેગી થઈ અને તેનું કાંડુ પકડ્યું, તેનો ફોન ઝૂંટવી લીધો. તેના ફોનમાં પેલી છોકરીનો વીડિયો હતો. તે ડિલિટ કર્યો અને તેના ફોનમાં આ રીતે બીજી યુવતીઓના બિભત્સ વીડિયો પણ હતા. અમે તે બધા જ ડિલિટ કર્યા અને મોલના સુરક્ષાકર્મીઓને ભેગા કરી દીધા.
સિક્યોરિટીએ યુવકને લાફો મારી દીધો
સિક્યોરિટીએ સૌથી પહેલા તો તે યુવકને પકડીને લાફો મારી દીધો. યુવતી પોલીસ બોલાવવા ઈચ્છતી હતી, પરંતુ ત્યાં હાજર બધાએ તે યુવકને માર માર્યો. બધા તેને માર મારીને પાઠ ભણાવવા ઈચ્છતા હતા. ત્યારબાદ હું ત્યાંથી ચાલી નીકળી. એક યુવતીની હિંમતે બદમાશને પાઠ ભણાવ્યો. આ યુવતી અન્ય યુવતીઓને સલાહ આપતા સોશિયલ મિડિયા પર લખે છે કે ક્યારેય છોકરીઓએ કોઈ પણ બદમાશ માટે સોફ્ટ ન બનવું જોઈએ. આવાં તત્ત્વોને પકડીને પોલીસને હવાલે કરવા જોઈએ. જો તમે આગળ આવશો તો બીજું કોઈ તેનો ભોગ બનતું અટકશે.
યુવતીઓ તહેવારોમાં ધ્યાન રાખો
અમદાવાદ સહિતના શહેરોમાં પણ મોલમાં યુવતીઓ અને મહિલાઓ જાગૃત રહે અને આ પ્રકારના મનોવિકૃત લોકોથી સાવધાન રહે તો આવા બદમાશોને પકડી શકે અને તેમને તંત્રના હવાલે કરી શકે. અત્યારે દિવાળીના તહેવારો છે અને મોલ સહિતની જગ્યાઓએ સખત ભીડ જામી રહી છે ત્યારે યુવતીઓ અને મહિલાઓએ વિશેષ સતર્ક રહીને કાળજી રાખવી જોઈએ. આપણા શહેરમાં પણ જો આપણે જાગૃત રહીશું તો આવા માનસિક રોગી બદમાશોને પકડી શકીશું.
આ પણ વાંચોઃ અલીગઢનું નામ બદલવાનો પ્રસ્તાવ પાસ, હવે કયા નામથી ઓળખાશે આ તાળાનગરી!