રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણી પછી ફરી ભારત જોડો યાત્રા શરૂ કરી શકે છે
- કોંગ્રેસ આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે મજબુત તૈયારીઓ કરી રહી છે
- રાહુલ ગાંધી ટૂંક સમયમાં ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરી શકે છે
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી જીતવા માટે સખત પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ માટે ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) શરૂ કરી હતી અને પાર્ટીને તેનો ઘણો ફાયદો કર્ણાટક ચૂંટણીમાં મળ્યો હતો. હવે એવા સમાચાર છે કે રાહુલ ગાંધી ટૂંક સમયમાં ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરી શકે છે.
- કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે યોજવામાં આવી શકે છે.
આ પહેલા રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 13 નવેમ્બરે ભોપાલમાં પદયાત્રા કરશે. હાલમાં રાહુલ ગાંધી ત્રણ દિવસના પ્રવાસે ઉત્તરાખંડમાં છે, જ્યાં તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા.
મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીના ઉપરા-ઉપરી કાર્યક્રમો
વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને રાહુલ ગાંધીના આગામી કાર્યક્રમો: આવતીકાલે એટલે કે બુધવારે (8 નવેમ્બર) તેઓ છત્તીસગઢના અંબિકાપુરમાં હશે. આ પછી 9 નવેમ્બરે મધ્યપ્રદેશના જબલપુર, 10 નવેમ્બરે સતના અને 13 નવેમ્બરે ભોપાલમાં તેમનો ચૂંટણી કાર્યક્રમ છે.
શું આ વખતની યાત્રા અગાઉની ભારત જોડો યાત્રા કરતા અલગ હશે?
આ પહેલા રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી અને 30 જાન્યુઆરી 2023ના રોજ જમ્મુ-કાશ્મીરમાં પુરી કરી હતી. ભારત જોડો યાત્રા 2.0 આ વર્ષે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ શકે છે અને આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રા અગાઉની યાત્રા કરતા અલગ હશે. ગત વખતે રાહુલ ગાંધીએ પગપાળા યાત્રા કરી હતી, જ્યારે આ વખતે યાત્રા ક્યાંક પગપાળા તો ક્યાંક વાહનો દ્વારા પૂર્ણ થશે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી કેદારનાથની શરણે, ભંડારાનું આયોજન, સંતો-ભક્તોમાં વહેંચ્યો પ્રસાદ