ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં સુશાસનઃ આંગણવાડી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝડપ

  • પટનામાં આંગણવાડી કાર્યકરોએ વિધાનસભાનો ઘેરાવ કર્યો
  • વિધાનસભાની બહાર આંગણવાડી કાર્યકરો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ
  • અમારા પગારમાં વધારો થવો જોઈએ, સરકાર અમારી માંગણીઓ પ્રત્યે ગંભીર નથી: કાર્યકરો

બિહાર : પટનામાં મંગળવારે આંગણવાડી કાર્યકરોએ વિધાનસભાનો ઘેરાવ કરીને હંગામો કર્યો હતો. વિધાનસભાની બહાર વિરોધ કરી રહેલી આંગણવાડી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું તેમજ પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. રાજ્યની આંગણવાડી કાર્યકરોએ તેમની માંગણીઓને લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીઓ અને વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. આંગણવાડી કાર્યકરોની માંગ છે કે, “તેમનો માસિક પગાર વધારીને રૂ.25,000 અને આંગણવાડી સહાયકોનો માસિક પગાર રૂ. 18,000 કરવામાં આવે.

 

આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું કે, “તેમના પગારમાં વધારો થવો જોઈએ. સરકાર અમારી માંગણીઓ પ્રત્યે ગંભીર નથી તેમજ રાજ્ય સરકાર દ્વારા આમરી માંગણીઓ સાંભળવામાં આવતી નથી.”

આંગણવાડી કાર્યકર દ્વારા શું જણાવવામાં આવ્યું ?

આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી દુર્ગાકુમારી મહેતાએ જણાવ્યું હતું કે, “તેમને આંગણવાડી કાર્યકર તરીકે દર મહિને 5950 રૂપિયા મળે છે. બિહાર સરકાર તેના પગારમાં માત્ર 1450 રૂપિયા જ આપે છે જ્યારે બાકીની રકમ કેન્દ્ર તરફથી આવે છે. છેલ્લા એક મહિનાથી બિહારની અન્ય આંગણવાડી કાર્યકરોની જેમ દુર્ગા કુમારી પણ માસિક પગાર વધારવા માટે આંદોલન કરી રહી છે.” વધુમાં કહ્યું કે,” નીતિશ કુમારે પોતાના મતોના લાભ માટે જ જાતિ ગણતરી કરાવી છે. આ આપણા માટે શું અર્થ છે? સરકારને અમારી કોઈ ચિંતા નથી અને અમારી માંગણીઓ સાંભળવામાં આવી રહી નથી. અમે અમારો પગાર વધારીને ₹25000 પ્રતિ મહિને કરવા માંગીએ છીએ. જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે 10 નવેમ્બર સુધી પટનામાં વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું.”

 

બિહારમાં એક મહિનાથી આંગણવાડી સેવિકા-સહાયિકા સંઘનું આંદોલન ચાલી રહ્યું છે. પ્રશાસને આ આંદોલનને લઈને કડકતા દાખવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આંદોલનકારી આંગણવાડી કાર્યકરોના કેન્દ્રો પર નોટિસો ચોંટાડવામાં આવી રહી છે અને તેમને ચેતવણી આપવામાં આવી છે કે, “તેઓ ટૂંક સમયમાં કેન્દ્રો ચાલુ કરે, અન્યથા કાર્યવાહી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, ઉશ્કેરાયેલી આંગણવાડી કાર્યકરોએ સોમવારે પુનપુનમાં રસ્તા પર કલાકો સુધી દેખાવો કર્યા હતા અને સરકારને ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં અમને બધાને પાઠ ભણાવવામાં આવશે.

આજે બિહાર સળગી રહ્યું છે : ધારાસભ્ય

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને બીજેપી ધારાસભ્ય તારકિશોર પ્રસાદે કહ્યું કે, “આંગણવાડી કાર્યકર્તાઓ તેમની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવી છે પરંતુ તેમને વોટર કેનન્સની મદદથી વિખેરવામાં આવી રહી છે. પટનામાં જ્યારે લોકો પોતાની માંગને લઈને રસ્તા પર ઉતરી આવે છે ત્યારે તેમને માર મારવામાં આવે છે. આ સરકાર ઘમંડી છે, તેને કોઈની પરવા નથી. તેમના નેતાઓ અને નાયબ નેતાઓ વડાપ્રધાન કે મુખ્યમંત્રી બનવા માંગે છે. તેઓ આમાંથી બહાર આવી શક્યા નથી અને બિહાર આજે સળગી રહ્યું છે.”

આ પણ જુઓ :આસામ રાઇફલ્સના જવાનો દ્વારા મણિપુર પોલીસનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

Back to top button