ગુજરાત

રાજકોટમાં જાણીતા રેસ્ટોરન્ટ સંચાલકનો આપઘાત

Text To Speech
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા જાણીતા પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના સંચાલકે આજે વહેલી સવારે પોતાના ઘરે આપઘાત કરી લેતા શહેરમાં ચકચાર મચી ગઇ છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મૃતક હસમુખ પુરુષોત્તમભાઇ પાંચાણી
પોતાના ફ્લેટના હોલમાં ગળેફાંસો ખાધો
મળતી માહિતી મુજબ, આનંદ બંગલા ચોક પાસે ધોળકિયા સ્કૂલ નજીક કૃષ્ણનગર મેઇન રોડ પર અવકાશ સ્કવેરમાં રહેતા હસમુખ પુરુષોત્તમભાઇ પાંચાણી (ઉં.વ.65)એ વહેલી સવારે ફ્લેટના હોલમાં છતના હૂકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ગમગીની છવાઇ ગઇ હતી.
રાત્રે સૂતા બાદ ચાર વાગ્યે ઉઠીને પગલું ભરી લીધું હતું
હસમુખભાઈ રાત્રે પત્ની સાથે પોતાના રૂમમાં સુવા ગયા હતા. ત્યાંથી સવારે હોલમાં આવી તેણે આ પગલું ભરી લીધું હતું. વહેલી સવારે ઉઠેલી પત્નીને રૂમમાં હસમુખભાઈ નજરે નહીં પડતા તેઓ બહાર આવી તપાસ કરતા હોલમાં હસમુખભાઈ લટકતા જોવા મળ્યા હતા. જેના કારણે તેઓએ બૂમાબૂમ કરી મુકતા પરિવારના સભ્યો અને પાડોશીઓ દોડી ગયા હતા. તેઓએ તુરંત જ 108ને જાણ કરી હતી. જેઓએ ઘટનાસ્થળે દોડી તપાસ કરી હસમુખભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ બનાવ અંગે પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ધંધો ચાલતો ન હોવાથી સતત ટેંશનમાં રહેતા
પોલીસે મૃતક હસમુખભાઈના પરિવારજનોનું નિવેદન લેતા તેમના પત્નીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા સમયથી ધંધો સરખો ચાલતો ન હોવાથી ટેંશનમાં રહેતા હતા. જેથી પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ હસમુખભાઈએ આર્થીક સંકડામણમાં આવી જતા પગલું ભર્યું હોવું જોઈએ.
પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી
હસમુખભાઈએ આર્થીક રીતે ખેંચમાં આવી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે અનુમાન લગાવ્યું છે. જોકે તેમનું આ પગલું ભરવા પાછળનું કારણ શું છે તે જાણવા તપાસ યથાવત રાખવામાં આવી છે. મૃતક હસમુખભાઇ પાંચાણી ત્રણ ભાઇમાં વચેટ હતા અને સંતાનમાં ત્રણ પુત્ર છે.
Back to top button