કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

હેડ કોન્સ્ટેબલે માંગી રૂ.22 હજારની લાંચ : પોલીસકર્મી વતી રકમ લેતા હોમગાર્ડને એસીબીએ દબોચ્યો

Text To Speech
  • જામનગરના ખોડિયાર કોલોની પોલીસ સ્ટેશનનો બનાવ
  • સીટી સી.ડિવિઝન પોલીસ મથકના હે.કો.એ માંગી હતી લાંચ
  • દારૂના ધંધાર્થી પાસેથી રૂ.30 હજારની કરી હતી માંગ

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક પોલીસ જમાદાર વતી હોમગાર્ડના એક જવાનને જામનગર એસીબીની ટીમે રૂ. બાવીસ હજારની લાંચ લેતાં ઝડપી લીધો છે. જયારે પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે. જામનગર એસીબીની આ કાર્યવાહીને લઈને પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે.

દારૂના કેસમાં નામ ન ખોલવા માંગ્યા હતા રૂ.30 હજાર

આ દરોડાની વિગત એવી છે કે, જામનગર શહેરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવતી ખોડીયાર કોલોની પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવી દ્વારા અગાઉ દારૂના ધંધાર્થીને ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી તપાસ દરમિયાન અન્ય શખસોના નામ ન ખોલવા રૂ.30 હજાર માંગ્યા હતા જે પૈકી રૂ.8 હજાર અગાઉ આપી દેવાયા હતા અને બાકીની રકમ રૂ.22000 ની ગઢવી વતી લાંચ લેતા હોમગાર્ડ હરપાલસિંહ જાડેજા રંગેહાથ ઝડપાયો હતો. તેમજ એસીબીની ટીમે હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવીની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સ્ટેશન બહાર જ સફળ રેડ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, આ અંગે એસીબીને જાણ કરવામાં આવ્યા બાદ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે મુજબ હોમગાર્ડને પોલીસ સ્ટેશનની બહાર લાંચ લેતા દબોચી લેવામાં આવ્યો હતો. હાલ જામનગર એ.સી.બી દ્વારા હોમગાર્ડની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, અને હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવી ફરાર થઇ ગયા હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જામનગર એસીબીની આ કાર્યવાહીથી જામનગરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Back to top button