દેશમાં કોરોનાના વધતા જતા કેસો ફરીવાર ડરાવા લાગ્યા છે. કોરોના કેસ વધતા કેટલાક શહેરોમાં ફરી માસ્ક ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં કોવિડના વધતા જતા કેસોને પહોંચી વળવા માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સોમવારે ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. ચેન્નાઈમાં માસ્ક પહેરવાનું આજથી એટલે કે મંગળવારથી લાગુ થશે. કોર્પોરેશને કહ્યું કે ઉલ્લંઘન બદલ 500 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે.
આ સિવાય શોપિંગ મોલ, થિયેટર અને પૂજા સ્થાનોને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે ત્યાં કોઈ વિશાળ મેળાવડો ન થાય. તમને જણાવી દઈએ કે ચેન્નાઈમાં માસ્કની વાપસી એવા સમયે આવી છે જ્યારે તમિલનાડુમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના સક્રિય કેસ 6 હજારને વટાવી ગયા છે. આમાંથી અડધા કેસ એકલા ચેન્નાઈના છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર તમિલનાડુમાં રવિવારે 2,672 અને શનિવારે 2,385 કેસ નોંધાયા હતા. જોકે, મૃત્યુઆંક શૂન્ય રહ્યો હતો. બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,487 લોકો સાજા થયા છે.
લેહમાં માસ્ક ફરજિયાત
લદ્દાખમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં અચાનક વધારો થતાં વહીવટીતંત્રે કેન્દ્રશાસિત પ્રદેશના લેહ જિલ્લાના લોકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીકાંત બાલાસાહેબ સુસે દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર લેહના લોકોએ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે હવે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે આદેશનું ઉલ્લંઘન કરવા બદલ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.
કેરળમાં દરરોજ ત્રણ હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કોવિડ-19ના કેસોની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં રાખીને આ મહિને પોલીસ વિભાગે તમામ જિલ્લા પોલીસ વડાઓને જાહેર મેળાવડા, કાર્યસ્થળો અને ઉપયોગ કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવા રાજ્ય સરકારના આદેશનું અમલીકરણ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો.