કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં AAP ધારાસભ્યોની બેઠક બોલાવી
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કથિત દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નિશાના પર છે, ત્યારે EDના સમન્સ અને ધરપકડના ભય વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રીએ આજે APP ધારાસભ્યોની બેઠક બોલાવી હતી
દિલ્હી: કથિત દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોકલવામાં આવેલા સમન્સના વિવાદ અને ધરપકડના ભય વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોની આજે બેઠક બોલાવી હતી. દિલ્હી વિધાનસભામાં બોલાવવામાં આવેલી આ બેઠક બાદ રાજકીય અટકળોએ જોર પકડ્યું છે. એવું માનવામાં આવે છે કે કેજરીવાલ આમ આદમી પાર્ટી (AAP) અને સરકારને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.
ED દ્વારા 2 નવેમ્બરે અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું, પરંતુ કેજરીવાલ હાજર નહોતા થયા
EDએ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે દારૂ કૌભાંડમાં સમન્સ પાઠવ્યું હતું. જો કે કેજરીવાલ ED દ્વારા પાઠવેલા સમન્સમાં હાજર થયા નહોતા અને તેના બદલામાં કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશ ગયા હતા. ઈડી દ્વારા તેમને ટૂંક સમયમાં બીજું સમન્સ મોકલવામાં આવી શકે છે.
ED દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી ચૂકી છે
કેન્દ્રીય તપાસ એજન્સી આ કેસમાં આમ આદમી પાર્ટીના કેટલાક અન્ય નેતાઓની ધરપકડ કરી ચૂકી છે. મનીષ સિસોદિયા આ વર્ષના ફેબ્રુઆરીના અંતથી જેલમાં છે, જ્યારે તાજેતરમાં રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે EDએ દિલ્હીના મુખ્યમંત્રીની પૂછપરછ કરવાની તૈયારી કરી લીધી છે. આ પહેલા સીબીઆઈએ પણ દારૂ કૌભાંડ મામલે તેમની પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો: નેપાળમાં 5.6 નો ભૂકંપ, દિલ્હીમાં અનુભવાયા આંચકા