બેંગલુરુ: મહિલા અધિકારીનો હત્યારો કોન્ટ્રાક્ટ કર્મચારી હોવાનું બહાર આવ્યું
- મહિલા અધિકારીએ કોન્ટ્રાકટ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકતાં કોન્ટ્રાક્ટ કર્મચારીએ જ મહિલા અધિકારી કેએસ પ્રતિમાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
બેંગલુરુ: કર્ણાટક સરકારના એક સીનિયર અધિકારી બેંગલુરુમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. મહિલા અધિકારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં તેમના જ વિભાગમાં તૈનાત કોન્ટ્રાક્ટ કર્મચારીની ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા અધિકારીએ થોડા દિવસ પહેલા જ આ કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.
મૃતક મહિલા અધિકારી કેએસ પ્રતિમા 37 વર્ષના હતા. તેણીને કર્ણાટકના ખાણ અને ભૂસ્તર વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અજાણ્યા હુમલાખોરોએ પ્રતિમાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. મહિલા અધિકારીનું મૃત્યુ ગળું દબાવવાથી અને ગળું કાપવાને કારણે થયું હતું. હુમલો થયો ત્યારે મહિલા અધિકારી પ્રતિમા ઘરે એકલા હતા, તેમના પતિ તેમના વતન ગયા હતા.
મહિલા અધિકારી પ્રતિમાના મૃત્યુના કેસમાં પોલીસે કોન્ટ્રાક્ટ કર્મચારી કિરણની ધરપકડ કરી છે. કિરણ ડિપાર્ટમેન્ટમાં 5 વર્ષથી પોસ્ટેડ હતો. પ્રતિમાએ તેને થોડા દિવસ પહેલા નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તેથી તેણે બદલો લેવાનું વિચાર્યું. હત્યા કરીને કિરણ ચામરાજનગર ભાગી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કિરણે ગુનો કબૂલ કર્યો છે અને ખુલાસો કર્યો છે કે તેણે પ્રતિમાની હત્યા કરી હતી કારણ કે મહિલા અધિકારીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.
આ પણ વાંચો: લોભિયાઓની લાલચનો ગેરલાભ લઈ એક ધૂતારાએ 21 કરોડની ‘કમાણી’ કરી