- ગેંગ લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી રહી છે
- અસલી નોટો લઈને લોકોને નકલી નોટો પધરાવી આરોપી ફરાર
- બે નંબરના ધંધાની જાહેરાત સોશિયલ મીડિયા પર ફરતી કરી
ગુજરાતમાં ફેક કરન્સીનો વેપલો કરતી ગેંગ સક્રિય થઇ છે. જેમાં સોશિયલ મીડિયામાં મેસેજ આવે તો ચેતીજજો. તેમજ સોશિયલ મીડિયા પર જાહેરાત થકી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે. ત્યારે પોલીસ હજુ સુધી આ ટોળકીના સાગરીતોને પકડી શકી નથી, તેના કારણે ગેંગની હિંમત વધી ગઈ છે.
આ પણ વાંચો: હવાના પ્રદુષણમાં વિશ્વમાં ભારત 8માં ક્રમે, અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ પ્રદુષિત
ગેંગ લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી રહી છે
એક લાખના ડબલ આપવાની લાલચ આપી લોકોને અસલી નોટ સામે નકલી નોટ પધરાવતી ઠગ ગેંગ સક્રિય છે. શખ્સ પોતાનો નંબર મોકલીને વોટસએપ કોલ પર વાત કરવા માટે સૂચના આપે છે. રાજ્યમાં ફેક કરન્સીનો વેપલો કરતી ગેંગ છેલ્લા કેટલાક સમયથી સક્રિય થઈ લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી રહી છે. સોશિયલ મીડિયા પર એકના ડબલ આપવાની લાલચ આપીને ઠગ ટોળકી અસલી નોટો લઈને લોકોને નકલી નોટો પધરાવી ફરાર થઈ જાય છે. આ રીતે નકલી નોટો ફરતી કરવાના ફૂલ્યા ફાલ્યા વેપલાને રોકવા માટે પોલીસની ટીમો સક્રિય થઈ છે. જો કે, હજુ સુધી આ ટોળકીના સાગરિતોને ઝડપી લેવામાં સફળતા મળી નથી. ફેક કરન્સીના વેપલો કરતી ગેંગની હિંમત એટલી વધી ગઈ છે, બે નંબરના ધંધાની જાહેરાત સોશિયલ મીડિયા પર ફરતી કરી છે.
ટોળકી લોકોને પહેલા અસલી નોટો સેમ્પલ તરીકે આપે છે
સોશિયલ મીડિયા પર એક લાખના બે લાખ આપવાની જાહેરાત કરનાર શખ્સનો કોઈ સંપર્ક કરે તો, તે મેસેન્જરમાં મેસેજ કરી વાતચીત કરે છે. આ શખ્સ પોતાનો નંબર મોકલીને વોટસએપ કોલ પર વાત કરવા માટે સૂચના આપે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ટોળકી લોકોને પહેલા અસલી નોટો સેમ્પલ તરીકે આપીને જણાવે છે કે, જાવ માર્કેટમાં નોટથી ખરીદી કરીને તપાસ કરી લો. જે તે વ્યક્તિ માર્કેટમાં જઈને આ ટોળકીએ આપેલી નોટોથી ખરીદી કરે એટલે કોઈ વેપારી નોટ નકલી હોવાનું જણાવતો નથી. આમ, આ ટોળકીએ આપેલી અસલી નોટો આસાનીથી બજારમાં વટાવવાથી સામેવાળી વ્યક્તિને વિશ્વાસ આવી જાય છે. આ રીતે બીજીવાર જે તે વ્યક્તિ એક લાખ કે દસ લાખની ડબલ રકમ લેવા માટે આ ગેંગના સૂત્રધારોનો સંપર્ક કરે છે.
એક લાખના બે લાખ આપવાની જાહેરાતથી ઠગાઇ
એકના ડબલ આપવાની વાતો કરતા આરોપીઓ જે તે વ્યક્તિને રાત્રિના સમયે મળવા માટે ગ્રામ્ય વિસ્તારમાં બોલાવે છે. આ રીતે રાત્રિના સમયે એકના ડબલ લેવા માટે આવેલી વ્યક્તિ પાસેથી એક લાખની અસલી કરન્સી લઈને ગેંગના સભ્યો બે લાખની ફેક કરન્સી પધરાવીને ફરાર થઈ જાય છે. આ રીતે લોકો સાથે ઠગાઈ આચરવવામાં આવે છે. આ રીતે ઠગાઈનો ભેગ બનેલી વ્યક્તિ પોલીસ ફરિયાદ કરવા પણ જઈ શકતો નથી. જો પોલીસને જાણ કરે તો પહેલા પોતાની સામે કાર્યવાહી થશે તેવો ડર રહેતો હોય છે. આમ, સોશિયલ મીડિયા પર એક લાખના બે લાખ આપવાની જાહેરાત આપીને ઠગો દ્વારા લોકો સાથે ઠગાઈ આચરવામાં આવે છે.