ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય મહિલા હોકી ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

  • ઝારખંડમાં ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીનો ખિતાબ જીત્યો
  • મહિલા હોકી ટીમે ફાઇનલમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ પોતાના નામે કર્યો

રાંચી : ઝારખંડમાં ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીનો ખિતાબ જીત્યો છે. ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા શનિવારે દેશની દીકરીઓએ એશિયન ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે આ પહેલા 2016માં સિંગાપોરમાં પ્રથમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. જ્યારે, જાપાન 2013 અને 2021નું વિજેતા છે.

દરેક ખેલાડીને ઈનામ તરીકે 3 લાખ રૂપિયા આપવાનું જાહેરાત

રવિવારે રાંચીના મારંગ ગોમકે સ્થિત જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમમાં મહિલાઓની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમાઈ હતી. જેમાં ભારતીય મહિલા હોકી ટીમની જીત બાદ હોકી ઈન્ડિયાએ ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, “દરેક ખેલાડીને ઈનામ તરીકે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1.5 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે.

કોચે ખેલાડીઓના કર્યા વખાણ

ભારતીય મહિલા હોકી ટીમના કોચ જેન્નેકે શોપમેને કહ્યું કે, “અમને ફાઇનલમાં 4-0થી જીતની આશા નહોતી. અમે ખૂબ જ ખુશ છીએ. મેચ જોવા આવેલા ચાહકોએ ટીમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. અમને ઘણી મદદ કરી. દરેક વ્યક્તિ ઉત્સાહિત હતા. ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતા પુનિયાએ કહ્યું કે, “મને ખૂબ જ સારું લાગે છે. જાપાન ખૂબ જ સારું રમ્યું. હાફ ટાઈમમાં અમે માત્ર એક જ વાત કરી હતી કે અમારે આક્રમક રીતે રમવું પડશે.”

ભારત તરફથી સંગીતા કુમારી (17મી મિનિટ), નેહા (46મી મિનિટ), લાલરેમસિયામી (57મી મિનિટ) અને વંદના કટારિયા (60મી મિનિટ)એ ગોલ કર્યા હતા. કૃત્રિમ લાઇટિંગના કારણે મેચ 50 મિનિટ મોડી શરૂ થઈ હતી. શરૂઆતના ક્વાર્ટરમાં ભારતે બોલ પર કબજો જાળવી રાખ્યો હતો. જાપાન પણ જોરદાર પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ ભારતીય ગોલકીપર સવિતા પુનિયાએ જાપાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. પ્રથમ હાફના અંત સુધીમાં જાપાને અનેક પેનલ્ટી શૂટઆઉટ કર્યા હતા પરંતુ સવિતાએ ટીમ સાથે મળીને તમામ પેનલ્ટી નિષ્ફળ કરી અને ગોલ થતા બચાવ્યો હતો. ભારતે ત્રીજા ક્વાર્ટરમાં બીજો ગોલ કર્યો હતો. આ પછી, લાલરેમસિયામી અને વંદના કટારિયાએ છેલ્લી ક્ષણોમાં વધુ બે ગોલ કર્યા, જેણે ભારતની જીત સુનિશ્ચિત કરી હતી.

આ પણ જુઓ :એશિયન પેરાગેમ્સઃ ભારતનો મેડલ આંક 110 ને પાર, વધુ એકવાર રચાયો ઇતિહાસ

Back to top button