પ્રસૂતિ રજા બાબતે હવે મહિલા સૈનિકોને પણ મળ્યા સમાન અધિકાર
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દિવાળી પહેલા મહિલા સૈનિકોને મોટી ભેટ આપી છે. હવે મહિલા સૈનિકોને તેમના રેન્કને ધ્યાનમાં લીધા વિના સમાન પ્રસૂતિ રજા મળશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ મહિલા સૈન્ય કર્મચારીઓને સમાન માતૃત્વ, બાળ સંભાળ તથા બાળકને દત્તક લેવાના કિસ્સામાં રજા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય સશસ્ત્ર દળોમાં તમામ રેન્કની મહિલાઓની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરશે.
મંત્રાલયે શું જાહેરાત કરી?
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે સેનાની ત્રણે પાંખમાં મહિલાઓને તેમના અધિકારીઓના સમાન માતૃત્વ, બાળ સંભાળ અને બાળકને દત્તક લેવાના કિસ્સામાં રજા આપવાના નિયમો લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિયમો લાગુ થવાથી સેનામાં તમામ મહિલાઓને સમાન રીતે આ રજાઓ મળશે પછી ભલે તે ઓફિસર હોય કે અન્ય કોઈ રેન્કમાં કામ કરતી હોય. આ પગલું સેનામાં મહિલાઓને તેમના વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં વધુ સારી રીતે સંતુલિત કરવામાં મદદ કરશે અને તેમની કામ કરવાની સ્થિતિમાં સુધારો કરશે.
હવે કેટલી રજા મળશે?
અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં મહિલા અધિકારીઓને દરેક બાળક માટે 180 દિવસની પ્રસૂતિ રજા મળે છે. આ નિયમ વધુમાં વધુ બે બાળકોને લાગુ પડે છે. મહિલા અધિકારીઓને સમગ્ર સેવા કાર્યકાળમાં 360 દિવસની બાળ સંભાળ રજા મળે છે. આ માટે બાળકની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ. એક વર્ષથી ઓછી ઉંમરના બાળકને દત્તક લેવાની માન્ય તારીખ પછી 180 દિવસની દત્તક લેવાના કેસમાં રજા આપવામાં આવે છે.
મોટા ફેરફારની શરૂઆત
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રજાના નિયમોનું વિસ્તરણ સશસ્ત્ર દળોમાં મહિલા-વિશિષ્ટ કૌટુંબિક અને સામાજિક સમસ્યાઓના નિરાકરણમાં ખૂબ આગળ વધશે. ત્રણેય સેનાઓએ નારી શક્તિનો ઉપયોગ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ આર્મી, નેવી અને એરફોર્સમાં મહિલાઓને સામેલ કરીને મોટા પરિવર્તનની શરૂઆત કરી છે.
આ પણ વાંચો, યુપીમાં કિશોરીની આત્મહત્યા કેસના આરોપીની દુકાન પર ચાલ્યું બુલડોઝર