ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિધાનસભા ચૂંટણી 2023ઃ આજે કયાં રાજ્યોમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ ?

  • છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ. મિઝોરમ વિધાનસભા ચૂંટણી મતદાન 7 નવેમ્બરે, ત્યારે છત્તીસગઢમાં પણ પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે

આઈઝોલ/રાયપુરઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે મિઝોરમ તેમજ છત્તીસગઢમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે. મિઝોરમમાં સાત નવેમ્બરે એક જ તબક્કામાં તમામ બેઠકો માટે મતદાન થશે, જ્યારે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની બેઠકો માટે પણ સાતમી નવેમ્બરે મતદાન થશે.

મિઝોરમમાં કુલ 40 વિધાનસભા બેઠક છે. રાજ્યની તમામ બેઠકો પર એક જ તબક્કામાં 7 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે, ત્યારે છત્તીસગઢની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે છે. જેના કારણે આજે ત્યાં પણ ચૂંટણી પ્રચાર માટે છેલ્લો દિવસ છે. છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે છે.

ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ આજે સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણી પ્રચાર કરી શકાશે ત્યાર બાદ પ્રચાર કરી શકાશે નહીં. જે વિધાનસભા ક્ષેત્રોમાં સવારે 7 થી 3 વાગ્યા સુધી મતદાન થવાનું છે ત્યાંના ઉમેદવારો આજે બપોરે 3 વાગ્યા સુધી પ્રચાર કરી શકશે. જ્યારે જે વિસ્તારોમાં સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે ત્યાં ઉમેદવારો સાંજે 5 વાગ્યા સુધી પ્રચાર કરી શકશે.

આ પણ વાંચો: પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જાહેર, 7 નવેમ્બરથી મતદાન, 3 ડિસેમ્બરે મતગણતરી

ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મતદારોને પોતાની તરફેણમાં જીતાડવાના પ્રયાસો કરી રહ્યા છે. તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છત્તીસગઢમાં ભાજપના ઉમેદવારોના પક્ષમાં જોરદાર પ્રચાર કરી રહ્યા છે.

ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે છત્તીસગઢમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની કોઈ બેઠક નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસની મુલાકાતે કેદારનાથ ધામ પહોંચ્યા છે, જ્યાં બે રાત્રિ રોકાણ બાદ 7 નવેમ્બરે પરત ફરશે.

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી

દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાંથી મિઝોરમમાં 7 નવેમ્બરે, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં, મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 25 નવેમ્બરે, તેલંગાણા 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરે આવશે. રાજસ્થાનમાં અગાઉ મતદાન માટે 23 નવેમ્બર નિર્ધારિત થઈ હતી પરંતુ રાજ્ય સરકારની રજૂઆત બાદ મતદાનની તારીખ બદલીને 25 નવેમ્બર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાહુલ ગાંધી આજથી બે દિવસ કેદારનાથ પ્રવાસે

Back to top button