કેનેડાને મોદી સરકારનો કડક સંદેશ: સંઘર્ષથી તમને જ નુકશાન, અમને નહિ પડે ફર્ક
- કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે કેનેડાએ જ આ સંબંધો બગાડ્યા છે અને તેનાથી ભારતને નહીં પણ કેનેડાને જ નુકસાન થશે.
નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે ઘણા મહિનાઓથી તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે આક્ષેપો કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ભારત સરકારે પણ ભારતમાં હાજર ઘણા કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવા માટે અલ્ટીમેટમ આપીને બદલો લીધો હતો, ત્યારબાદ 41 રાજદ્વારીઓને અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે મોદી સરકારે કેનેડાને કડક સંદેશ આપ્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટ 2023 (HTLS)માં ભાગ લેનાર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે કેનેડાએ આ સંબંધોને બગાડ્યા છે અને તેનાથી ભારતને નહીં પણ કેનેડાને જ નુકસાન થશે.
પીયૂષ ગોયલને HTLS 2023માં કેનેડા મુદ્દે પુછવામાં આવ્યું હતું, ત્યારે કેન્દ્રીય મંત્રીએ જવાબ આપતાં કહ્યું હતું કે, “કેનેડા સાથે પહેલા અમે કોઈ વાતચીત બંધ નતી કરી, પણ તેમણે પહેલાં બંધ કરી હતી. ત્યાંના નેતાઓને અને લોકોને ભ્રમ છે, અને એ ભ્રમ કોઈ આધાર કે પુરાવા વગરનો છે, છતાં તેમણે તણાવ ઊભો કર્યો છે અને આનાથી નુકસાન એમનું જ છે, ભારતનું નહીં. ભારતનું માર્કેટ વધ્યું છે, આની અસર કેનેડાને તેની અર્થવ્યવસ્થા પર જોવા મળશે.” આ સિવાય પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે યુકે સાથે અમારી ચર્ચા ચાલી રહી છે. તેમાં અમે જયશંકર અને નિર્મલાજી સાથે મળીને દેશના હિતમાં નિર્ણયો લઈશું.
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડ્યા
છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ખાલિસ્તાની હિલચાલ વધી છે. ઘણા ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં સમયાંતરે ખાલિસ્તાન તરફી દેખાવો કર્યા છે. આ અંગે જસ્ટિન ટ્રુડો જ્યારે G-20 દરમિયાન ભારત આવ્યા હતા ત્યારે પીએમ મોદીએ પણ વાતચીતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ખૂબ જ કડક શબ્દોમાં વાત કરી હતી. બાદમાં સપ્ટેમ્બરમાં ટ્રુડોએ સંસદમાં નિવેદન આપીને હોબાળો મચાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ છે. તેણે કહ્યું હતું કે કેનેડાની ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે આ હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે. આ પછી બંને દેશોના સંબંધો વધુ વણસી ગયા. જોકે, ભારત સરકારે કેનેડાના આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
આ પણ વાંચો: બનાવટી દસ્તાવેજોના આધારે ઐતિહાસિક કિલ્લા પર કબજો કરવાનો પ્રયાસ